For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરિન ફર્નિચરના હૈદરાબાદ યુનિટના સુપરવાઈઝરને હિસાબમાં ગોટાળાની શંકાએ માલિક સહિતનાએ માર માર્યો

06:13 PM Feb 08, 2024 IST | Bhumika
પરિન ફર્નિચરના હૈદરાબાદ યુનિટના સુપરવાઈઝરને હિસાબમાં ગોટાળાની શંકાએ માલિક સહિતનાએ માર માર્યો

રાજકોટમાં આવેલા પરિન ફર્નિચરના હૈદરાબાદ યુનિટના સુપરવાઈઝરને હિસાબમાં ગોટાળાની શંકાએ રાજકોટ યુનિટમાં બોલાવી માલિક સહિતના શખ્સોએ ઢોર માર માર્યો હતો ત્યારબાદ ગુનો કબુલ કરાવવા માટે ગોંડલ તાલુકા પોલીસ મથકના બે પોલીસ કર્મચારી અપહરણ કરી પોલીસ મથક ખાતે લઈ જઈ ત્યાં ગોંધી રાખી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનાર દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત આવેદનપાઠવી જવાબદારો સામે ગુનો નોંધવા માંગ કરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, કડીમાં રહેતા અને છેલ્લા એક વર્ષથી પરિન ફર્નિચર હૈદરાબાદ ખાતે આવેલા યુનિટમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતાં ધર્મેશ સુરેશકુમાર ઠાકરે જિલ્લા પોલીસ વડાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ, તેઓ ગત તા.8-1નાં રોજ હૈદરાબાદ ખાતે હતાં ત્યારે પરિન ફર્નિચરના તેના સહકર્મચારી હાર્દિકભાઈ ઠાકરે ફોન કરી પ્રોજેકટ રિવ્યુ માટે રાજકોટ કંપની યુનિટ ખાતે તાકીદની બેઠક રાખેલી હોય જેથી તમે આવી જાઉ તેમ કહેતા તેઓ બીજા દિવસે બીલીયાડા સ્થિત પરિન ફર્નિચરના યુનિટ ખાતે આવ્યા હતાં. જ્યાં પરિન ફર્નિચરના માલિક પરિનભાઈ નંદાણી તેમજ કંપનીના કર્મચારી સુનિલ ટાંક, વિમલ માખેચા, અમીત મહેતા અને હાર્દિક ઠાકરે તેમના ઉપર હિસાબમાં ગોટાળો કર્યો છે. તેવી શંકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિનભાઈની ઓફિસમાં બોલાવ્યો હતો. જ્યાં બે વ્યક્તિઓ બેઠા હતાં. જેની ઓળખ આપતાં પરિનભાઈએ કહેલું કે, આ બન્ને ગોંડલ તાલુકા પોલીસ મથકેથી આવે છે હવે એ જ તારી પાસેથી ગુનો કબુલ કરાવશે. ત્યારબાદ બન્ને પોલીસ કર્મીએ તેમને પરિનભાઈની ઓફિસમાં જ ઢોર માર માર્યો હતો. બાદમાં ત્યાંથી અપહરણ કરી ગોંડલ તાલુકા પોલીસ મથકે લઈ ગયા હતાં. જ્યાં તેમને ગેરકાયદેસર ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢોર માર માર્યો હતો અને હિસાબમાં ગોટાળો કર્યાનો ગુનો કબુલ કરી લેવા દબાણ કરતાં હતાં. ત્યારબાદ તેના બનેલી પોલીસ મથક ખાતે આવી ગયા હતાં અને તેમણે પોલીસને કહેલું કે ‘મારા સાળાએ કોઈ ગુનો કર્યો હોય તો તમે તેની કાયદેસર અટકાયત કેમ કરતાં નથી, તેને ગેરકાયદેસર ગોંધી કેમ રાખેલો છે’ તેમ જણાવતાં પોલીસે તેને ત્યાંથી જવા દીધો હતો.

આ અંગે તેમણે ગત તા.10-1નાં રોજ જિલ્લા પોલીસ વડા અને ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે લેખિત ફરિયાદ આપી હતી. જેથી તેમને ગુનો નોંધવાના બહાને ત્રણ વખત નિવેદન લેવા માટે બોલાવવામાં આવેલા અને જવાબદાર પોલીસ અધિકારીએ ગુનો નોંધવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો અને જણાવેલું કે ‘જ્યાં સુધી તારી ફરિયાદમાં પોલીસ કર્મચારીના નામ નિવેદનમાંથી કાઢી નહીં નાખે ત્યાં સુધી તારી ફરિયાદ નોંધીશું નહીં.’ તેમ કહી બહાર કાઢી મુકયો હતો. આમ વગદાર લોકોને ઈશારે તેઓ નિર્દોષ હોવા છતાં તેમને ઢોર માર મારી અપહરણ કરી પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારી ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ દ્વારા તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોય આ અંગે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી જવાબદાર અધિકારીને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવા માટે આદેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement