પુત્રીને ભગાડી ગયાનું આળ મૂકી પરિવાર પૈસાની માગણી કરતો હોવાના આક્ષેપ સાથે ટ્રાવેલ્સના ધંધાર્થીનો આપધાતનો પ્રયાસ
લોધીકા તાલુકાના મેટોડા ગામે આવેલા આશુતીર્થ પાર્કમાં રહેતા અને રાજકોટમાં ટ્રાવેલ્સનો ધંધો ચલાવતા યુવક ઉપર પુત્રીને ભગાડી ગયાનું આળ મૂકી યુવતીનો પરિવાર પૈસાની માંગણી કરી ધમકી આપતો હોવાના આક્ષેપ સાથે ટ્રાવેલ્સના ધંધાર્થીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના આશુતીર્થ પાર્કમાં રહેતા અને રાજકોટમાં દોઢ સો ફૂટ રિંગ રોડ ઉપર ગોવર્ધન ચોકમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો નિખિલ ભરતભાઈ ટાકોદરા નામનો 24 વર્ષનો યુવાન રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં નિખિલ ટાકોદરા રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ગોવર્ધન ચોકમાં ન્યુ બાલમુકુંદ નામે ટ્રાવેલિંગનો ધંધો કરે છે અને અગાઉ કેટરર્સનું કામ કરતો હતો ત્યારે મિતલ વાળા નામની યુવતી કેટર્સમાં સાથે કામે આવતી હતી. જે તે સમયે મિતલ તેના માતા-પિતાના ત્રાસથી તેની બહેનના ઘરે જતી રહી હતી. તેમ છતાં મિતલના પિતા દિપક વાળા, તેની માતા જાગૃતિબેન વાળા અને સંજય ખીમસુરીયા નામના શખ્સોએ મિતલને ભગાડી ગયો હોવાનું આળ મૂકી રૂૂપિયા બે લાખની માંગણી કરી ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને જેમના ત્રાસથી ફિનાઈલ પી લીધું હોવાનું નિખિલ ટાકોદરાએ જણાવ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.