વેરાવળમાં બાયપાસ નજીક વાછરડાનું મારણ કરનાર દીપડાને પાંજરે પૂરતું વનતંત્ર
વેરાવળમાં બાયપાસ નજીક આવેલ વાડીના મકાનમાં દીપડો આવી ચડ્યો હતો. વહેલી સવારે દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું અને જેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દીપડાના રેસ્કયુ સમયે દીપડાએ બે વન કર્મીને સામાન્ય ઇજા પણ પહોંચાડી હતી. દીપડાને રેસ્ક્યુ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવેલ છે. દીપડાના રેસ્ક્યુ અંગે માહિતી આપતા વેરાવળ રેન્જ ફોરેસ્ટર કે.ડી. પંપાણીયા એ જણાવેલ કે, વેરાવળ બાયપાસ ઉપર તાલાળા ચોકડી નજીક આવે મિતેશભાઈ શાહ નામના વ્યક્તિની માલિકની વાડીના મકાનમાં દીપડો આવી ચડ્યો હતો અને મકાનના ઢાળિયામાં બાંધેલ વાછરડાનું મારણ કરેલ હતું. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની રેસ્ક્યુ સ્થળ પર પહોંચી હતી. દીપડો અવાવરું મકાનમાં લપાઈ ચૂક્યો હતો.
પરંતુ મકાનના બારી બારણા હતા નહીં એટલે દીપડાનું રેસ્ક્યુ કરવું ખૂબ જ જોખમી હતું આમ છતાં વન વિભાગની રેસ્કયુ ટીમ દ્વારા દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. દીપડાને ટ્રેનક્યુલાઇઝ કરી બેહોશ કરવાની ફરજ પડી હતી દીપડાના રેસ્ક્યુ સમયે જે મકાનમાં દીપડો છુપાયો હતો તેની બારીમાં આડસ કરવામાં આવી હતી અને આ સમયે અચાનક દીપડાએ હુમલો કરતા વેરાવળ બીટગાર્ડ કિરણકુમાર જોશી અને એનીમલ કેર સેન્ટરના રેસ્ક્યુ ટીમના ટ્રેકર સંજય ડોડીયાને સામાન્ય ઇજા પહોંચી હતી જે બંનેને સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલે મોકલવામાં આવેલા હતા. દીપડાને વેટરનરી ડોક્ટર દ્વારા ટ્રેનક્યુલાઇઝ કરી દેવામાં આવતા દીપડાનું રેસ્ક્યુ કરી દીપડાને અમરાપુર ગીર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવેલ છે.