શ્રી દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા વામન દ્વાદશી એટલે કે વિજય દિવસની કરવામાં આવી ભવ્ય ઉજવણી
ઠાકોરજીની ઉત્સવ આરતી પણ યોજાઈ
1965 ની સાલમાં દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરને મુખ્ય ટાર્ગેટ બનાવી પાકિસ્તાની સબમરીનો દ્વારા સમુદ્રી આક્રમણ વખતે 156 જેટલા બોમ્બ તાકવામાં આવ્યા હતા પરંતુ દ્વારકાધીશ જગત મંદિર સહિત સમગ્ર દ્વારકાપંથકનો ચમત્કારિક બચાવ થયો હતો.એક પણ બોમ્બ દ્વારકા સીમાક્ષેત્રમાં પડ્યો નહીં ભગવાન દ્વારકાધીશ દ્વારા સૌ કોઈનું રક્ષણ થયું તેથી 1965 થી આજ સુધી છેલ્લા લગભગ 59 વર્ષોથી વામન દ્વાદશીના દિવસે દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારા વિજય દિવસની ઉજવણી કરી જગત મંદિર પર ધ્વજા આરોહણ કરવામાં આવે છે.
જ્ઞાતિના પ્રતિનિધિ રૂપે શિક્ષણ મંત્રી અજીતભાઈ પાઢ તેમજ તેમના ધર્મપત્ની મીનાબેન અજીતભાઈ પાઢ દ્વારા આજરોજ શ્રી શારદાપીઠમાં વિજય ધ્વજ એટલે કે જગત મંદિર પર આરોહણ થતી 52 ગજની ધજાજીનું પૂજન કરવામાં આવ્યું. બપોરે 12:00 વાગ્યાના સમયે ઠાકોરજીના વામન સ્વરૂપ મહા આરતી પ્રસંગે મંદિર શિખર પર ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું.આ પ્રસંગે જ્ઞાતિ વર્તમાન કાર્યકારી પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય,મંત્રી કપિલભાઈ વાયડા, સહમંત્રી ચેતનભાઇ પુજારી, કારોબારી સદસ્યો,મધ્યસ્થ સભા સદસ્યો,સલાહકાર સમિતિ સદસ્યો, મહિલા મંડળ સદસ્યો,સામાજિક કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા.અત્રે એ ઉલ્લેખનીય છે કે ભગવાન દ્વારકાધીશ પર આસ્થા,શ્રદ્ધા અને વિશ્વાસને લીધે અનેક કુદરતી અને કૃત્રિમ આફતો દ્વારકા પર આવતા ટળી છે.