ખંભાળિયા બાયપાસ હાઈવે રોડ પર ફૂલ સ્પીડે બાઈક ચલાવનારા સ્ટંટબાજોના પોલીસે સીન વીંખી નાખ્યા
જામનગર તાલુકાના સિક્કા ગામથી કેટલાક સ્ટંટ બાજો ખંભાળિયા હાઇવે રોડ પર ફુલ સ્પીડે બાઈક ચલાવી સ્ટંટ કરતા હોય છે, અને શરત લગાવી રૂૂપિયાની હારજીત કરી જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી ના આધારે સિક્કા પોલીસે વોચ ગોઠવી જુદા જુદા બે ગ્રુપમાં સાત જેટલા સ્ટંટબાજોને ઝડપી લીધા હતાઝ અને તેઓ પાસેથી રોકડ રકમ અને બાઈક સાહિત રૂૂપિયા અઢી લાખની માલમતા કબજે કરી છે, જ્યારે તમામ સામે જુગારધારા ભંગ મુજબ ગુનો નોધ્યો છે. સિક્કા પોલીસની આ કાર્યવાહીથી સ્ટંટબાજોમાં ફફડાટ મચી ગયો છે.
જામનગર નજીક સિક્કા ગામ થી ખંભાળિયા બાઇપાસ ચોકડી સુધીના હાઈવે રોડ પર અંદાજે 30 કી.મી. સુધી માર્ગે અલગ અલગ બાઈકમાં રેસ લગાવી કેટલાક સ્ટંટબાજો જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી સિક્કા પોલીસને મળી હતી. જેથી સિક્કા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.એચ બાર તેમજ સ્ટાફ ના જીતેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રકાંતભાઈ ગાંભવા, મહેશભાઈ અગારા, બાબુભાઈ ઝાલા વગેરે દ્વારા જામનગર- ખંભાળિયા હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન સૌ પ્રથમ એક ગ્રુપમાં 4 શખ્સો સિક્કાથી 30 કી. મી. ની બાઈક રેસ કરી ને સ્ટંટ કરી રહેલા જોવા મળ્યા હતા.
તેથી પોલીસે સૌપ્રથમ ચાર શખ્સો સિક્કાના રીક્ષા ચાલક એજાજ જુનુસભાઈ કેર, અલી અસગર ઈકબાલભાઈ કુંગડા, અસગર મહંમદભાઈ સુંભણીયા અને નવાજ અબ્દુલભાઈ મેપાણીની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ત્રણ મોટરસાયકલ અને રોકડ રકમ સહિત રૂૂપિયા 1,32,000ની માલમતા કબજે કરી છે.
આ ઉપરાંત બીજા ગ્રુપમાં પણ વધુ ત્રણ શખ્સો બાઈક ની રેસ લગાવીને સ્ટંટ કરી રહેલા મળી આવ્યા હતા. જે ત્રણેય સ્ટંટબાજોની પણ સિક્કા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેઓ પાસેથી પણ રોકડ રકમ અને બાઈક સહિત રૂૂપિયા 1,15,000 ની માલમતા કબજે કરી લેવામાં આવી છે. જે તમામ સામે જુગાર ધારા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.