ITIમાં હવે છાત્રો ઇવી-સોલારનું જ્ઞાન મેળવશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 140થી વધુ આઇટીઆઇમાં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થયો છે. આ વર્ષ આઇટીઆઇમાં સોલાર અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ સહિત 76 કોષમાં 39 હજારથી વધુ બેઠકમાં પ્રવેશ આપવામાં આવશે સમયની માંગ સાથે નવા શરૂ થયેલ બે કોષોમાં સૌથી વધારે અરજી આવવાનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે.
રાજકોટમાં સ્થિત રિજિયોનલ ઓફિસના નાયબ નિયામક કૌશિક કણઝારિયાએ જણાવ્યું હતું કે ITIમાં અલગ-અલગ 76 જેટલા કોર્સ થાય છે, જેમાં હાલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને સોલર ટેક્નિશિયન ઉપરાંત રેફ્રિજરેશન, એર કંડિશનિંગ, મરીન એન્જિનિયરિંગ, મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સોલર ટેક્નિશિયન જેવા વિવિધ કોર્સમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. આ ઉપરાંત ઓન ડિમાન્ડિંગ છે તેવા ઈલેક્ટ્રિશયન, ટર્નર, ફિટર, વેલ્ડર, કાર્પેન્ટર અને પ્લંબર જેવા કોર્સમાં ધોરણ 8 અને 10 પાસ પર એડમિશન થઈ રહ્યા છે. વધુમાં કહ્યું હતું કે હાલ ઘરે-ઘરે સોલર લાગી રહ્યા છે અને સોલર પાર્કનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે એ માગને આધારિત સોલર સંબંધિત કોર્સ થઈ રહ્યા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગરમાં દિવ્યાંગો માટેની ITIમાં 132 તાલીમાર્થી છે. જ્યારે સ્પેશિયલ મહિલાની સાત ITIમાં 1,508 સીટ ઉપલબ્ધ છે. રાજકોટમાં દિવ્યાંગો માટેની સ્પેશિયલ ITI છે, જ્યાં હાલ 82 દિવ્યાંગ છે, જેઓ કોમ્પ્યુટર કોર્સ સહિતના કોર્સમાં તાલીમ મેળવી રહ્યા છે. વધુમાં જણાવ્યું છે કે, અહીંથી રોજગારી અને સ્વરોજગારી એમ બે પ્રકારે નોકરી મળી શકે એમ છે.
ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, પ્લમબર અને કાર્પેન્ટરના કોર્સમાં જે વિદ્યાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે તેઓ પોતે જ પોતાની રીતે સ્વરોજગારી મેળવી રહ્યા છે. ફેકલ્ટી બાબતે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ફેકલ્ટીની ભરતી ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ધોરણે કરવામાં આવતી હોય છે. રાજકોટ રીજનમાં સરકારી આઈ.ટી.આઈ.માં અત્યારે 1,600 જેટલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફેબ્રિકેશન, રેફ્રિજરેશન જેવાં ગ્રુપમાં ફરજ બજાવી રહ્યા છે. હાલ 540 જેટલી જગ્યાઓ ખાલી છે, પરંતુ તાલીમાર્થીઓના રેશિયો પ્રમાણે હાલના સ્ટાફથી ચાલી શકે તેમ છે.