ડોકટર ઓફ ફાર્મસી નહીં લખાતા યુનિ.માં છાત્રોનો હલ્લાબોલ
પ્રથમ દિવસે કુલપતિ નહીં મળતાં VC મિશિંગ હોવાના પોસ્ટર લગાવ્યા: રામધૂન બોલી ચેમ્બરમાં ABVPનું વિરોધ પ્રદર્શન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે અને તેની બેદરકારીથી હજારો વિદ્યાર્થીઓના કારકિર્દી પર પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. યુનિવર્સિટીના ફાર્મસી ભવનનાં પીજીના વિદ્યાર્થીઓના ડિગ્રી પ્રમાણપત્રમાં ડોકટર ઓફ ફાર્મસી લખાઈ ન આવતાં કુલપતિની ચેમ્બર બહાર એબીવીપી સાથે વિદ્યાર્તીઓએ હલ્લાબોલ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કુલપતિ હાજર નહીં હોવાથી કુલપતિ મિશીંગ હોવાના પોસ્ટર લગાવ્યા હતાં જો કે આજે બીજા દિવસે પણ કુલપતિને રજૂઆત કરાઈ હતી. વિરોધ કરતાં છાત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટની આર.કે. યુનિવર્સિટી, વડોદરાની પારુલ ખાનગી યુનિવર્સિટી, તેમજ બેંગ્લોરની રાજીવ ગાંધી સરકારી યુનિવર્સિટીમાં ફાર્મ ડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટમાં પડોક્ટર ઓફ ફાર્મસીથ લખવામાં આવે છે અને વિદ્યાર્થીના નામની આગળ ‘ડોક્ટર’ પ્રિફિક્સ પણ લખવામાં આવે છે. પરંતુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર પફાર્મ ડીથ લખવામાં આવતું હોવાથી તેમને ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આ સમસ્યાને કારણે તેમને હોસ્પિટલમાં ક્લિનિકલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી મેળવવામાં તેમજ વિદેશ અભ્યાસ માટે જવામાં મુશ્કેલી પડે છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનની ફાર્મ ડીની વિદ્યાર્થિની મિત્તલ થડેસરે જણાવ્યું હતું કે, અન્ય યુનિવર્સિટીઓમાં ડોક્ટર પ્રિફિક્સ આપવામાં આવે છે, જ્યારે અહીં નથી. ડી ફાર્મ (ડિપ્લોમા ઇન ફાર્મસી) બે વર્ષનો કોર્સ છે, જ્યારે ફાર્મ ડી (ડોક્ટર ઓફ ફાર્મસી) છ વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે, છતાં ડિગ્રીમાં સ્પષ્ટતા નથી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખ ધરમ સોઢીયાએ જણાવ્યું હતું કે, આજે આ બાબતે કુલપતિ ડો. ઉત્પલ જોશી સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા, પરંતુ આ સમયે કુલપતિ ત્યાં હાજર ન હતા જેથી ‘ટઈ મિસિંગ’નું પોસ્ટર લગાવ્યું હતું. જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવશે. ફાર્મસી ભવનના અધ્યક્ષ ડો. પ્રિયા પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની કોઈ સમસ્યા નથી. ફાર્મ ડી લખવાથી કોઈ મુશ્કેલી ન પડે. તેમણે અન્ય યુનિવર્સિટીઓના ડિગ્રી સર્ટિફિકેટમાં પણ ફાર્મ ડી લખવામાં આવતું હોવાનો બચાવ કર્યો હતો.
એક મહિનામાં પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા છાત્રોને મળેલી ખાતરી
ફાર્મસીની પ્રશ્ર્ને આજે ફરીથી એબીવીપી સાથે વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરવા ગયા હતાં જેમાં આગામી એક મહિનામાં આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે. જેમાં જાન્યુઆરીમાં આપવામાં આવનાર પ્રમાણપત્રમાં ડોકટર્સ ઓફ ફાર્મસી લખેલું આવશે તેવો જવાબ સત્તાધીશો દ્વારા આપવામાં આવ્યો હતો.