શહેરમાં રખડતા ઢોર પકડવાની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ
જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવામાં આવે છે. તેની યોગ્ય સારસંભાળ લેવામાં આવતી નહીં હોવા અંગે આજે જુદી જુદી ગૌ પ્રેમી સંસ્થાઓ દ્વારા જામનગરના મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ગૌવંશને પકડીને ઢોરના ડબ્બામાં પૂરી દેવામાં આવે છે. જ્યાં પૂરતો ઘાસચારો અપાતો નથી, યોગ્ય સારસંભાળ રાખવામાં આવતી નથી. પરિણામે દરરોજ 4થી 5 ગૌ વંશના મૃત્યુ થાય છે.
હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવે છે. તેનું રક્ષણ, જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. આથી ખાસ તકેદારી રાખવા અને ગૌવંશને પૂરતો ઘાસચારો, પીવાનું પાણી આપવા અને તેની તબીબી સારવાર યોગ્ય રીતે થાય તેની કાળજી રાખવી જોઈએ. તેવી માંગણી સાથે આવેદન પાઠવાયું હતું. જરૂૂર પડ્યે આ મુદ્દે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે. આજે જામનગરની જુદી-જુદી સંસ્થાઓ રાષ્ટ્રીય ગૌરક્ષા વાહિની, ગૌસેવા સંઘ, વછરાજ બીમાર ગૌ સેવા ટ્રસ્ટના હર્ષદીપસિંહ જાડેજા, સમસ્ત તળપદા કોળી સમાજ-જામનગરના પ્રમુખ હિતેશભાઈ બાંભણીયા, સામાજિક આગેવાન રાહુલ દુધરેજીયા, રાજપૂત કરણી સેનાના પ્રમુખ હાર્દિકસિંહ ચુડાસમા, સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગૌપ્રેમીએ મ્યુનિ. કમિશનરને આવેદન પાઠવી રજુઆત-માંગણી કરી હતી.