શેરી ફેરિયા લોન યોજના અચાનક બંધ, અરજદારોમાં દેકારો
સ્વનિધિ અને એનયુએલએમ યોજનાના ફોર્મ આપવાનું બંધ, ભરેલા ફોર્મ સ્વીકારવાની મનાઈ થતાં અરજદારોને ધરમના ધક્કા
સરકાર દ્વારા મહાનગરપાલિકા મારફતે શેરી ફેરિયાઓને સ્વનિધિ યોજના અંતર્ગત રૂા. 10000થી વધુની લોન તેમજ નાના ધંધા રોજગાર શરૂ કરવા માટે એનયુએલએમ બેન્કેબલ યોજના અંતર્ગત રૂા. 2 લાખ સુધીની સબસીડી વાળી લોન આપવાની યોજના અમલમાં મુકી છે. જેનો અનેક લોકોએ લાભ લીધો છે. દરરોજ મનપાને કચેરી ખાતેથી લોન ઈચ્છુકો દ્વારા ફોર્મ લેવામાં આવી રહ્યા છે. પરંતુ ગઈકાલે સરકારે આ યોજના અપડેટ કરવાની હોય બંધ કરી દેતા આજે મનપાની એનયુએલએમ કચેરી ખાતે અરજદારોએ ફોર્મ જમા કરાવવા માટે લા
ઈનો લગાવી હતી અને ફોર્મ જમા ન થતાં અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.
સરકાર દ્વારા પ્રથમ સ્વનિધિ યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં અરજદારને વગરજામીને પ્રથમ 10 હજારની લોન આપવામાં આવે છે અને આ યોજના શેરી ફેરિયાઓને લાગુ કરવામાં આવી હતી. પ્રથમ 10 હજાર લોન પરત કરતા આ અરજદારને ત્યાર બાદ રૂા. 30 હજાર તેમજ રૂા. 50 હજાર સુધીની લોન મળવા પાત્ર છે. જેનો લાભ શહેરના હજારો શેરી ફેરીયાઓએ લીધો હતો.
તેમજ દર સપ્તાહે કોર્પોરેશન દ્વારા આ યોજના અંગેની જાહેરાત કરવામાં આવતી હોય વધુને વધુ લોકો લોન લેવા માટે પ્રેરાયા હતાં. તેવી જ રીતે નાના ધંધા રોજગાર શરૂ કરવામાટે મહાનગરપાલિકાએ એનયુએલએમ બેન્કેબલ યોજના શરૂ કરી હતી. જતેમાં અરજદારને નાનો ધંધો શરૂ કરવામાટે રૂા. 2 લાખની મહત્તમ મર્યાદામાં લોન આપવામાં આવતી હતી. આ લોનમાં 7 ટકા ઉપરના વ્યાજ ઉપર સબસીડી મળતી હોય રૂા. 2 લાખની લોન લેવા માટે પણ અનેક લોકો પ્રેરાયા હતાં. તેવી જ રીતે બન્ને યોજનામાં લોન ભરપાઈ કરવાનો સમયગાળો પાંચથી સાત વર્ષનો હોવાથી અનેક લોકોએ લોન લીધેલ તેમજ અમુક લોકોએ સમયસર લોન ભરપાઈ કરી શેરી ફેરિયાઓ ત્રીજા સ્ટેપ સુધી પહોંચી ગયા હતાં. ત્યારે જ ગઈકાલે આ યોજના અચાનક બંધ થતાં અરજદારોમાં દેકારો બોલી ગયો છે.
મહાનગર પાલિકાના એનયુએલએફ બેન્કેબલ યોજના વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સ્વનિધિ યોજના અને એનયુએલએમ યોજનામાં સરકાર દ્વારા અપડેટ કરવાનું હોવાથી એટલે કે, આ યોજનામાં લોનની રકમમમાં વધારો કરવાનો હોય તાત્કાલીક ધોરણે આ યોજના બંધ કરવામાં આવી છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જૂની યોજના અંતર્ગત ભરાયેલા ફોર્મ જમા ન લેવાની તેમજ હવેથી નવા ફોર્મનું વિતરણ ન કરવા સહિતની સુચના સરકાર દ્વારા આપવામાં આવી છે. પરંતુ આ યોજના બંધ કરવામાં આવી નથી. ટુંક સમયમાં નવા નિયમો સાથે આ યોજનાનું ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.