રખડતા ઢોરનો ત્રાસ: બે ખૂંટિયાએ ખૂંદી નાખતાં આધેડનું મોત
રાજકોટની ભાગોળે કુવાડવા હાઈવે પર બનેલી ઘટના, નવાગામના આધેડ બેઠા હતા ત્યારે આખડતા બે ખૂંટિયાએ ભોગ લીધો
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોરની ઠોકરે ચડી જતાં નિર્દોષ લોકો અને વાહન ચાલકો ભોગ બની રહ્યાં છે આમ છતાં તંત્રનાં પેટનું પાણી હલતું નથી. હજુ બે દિવસ પહેલા જ શહેરની ભાગોળે નવા ગામમાં ગાયે ઢીકે ચડાવતાં વૃધ્ધનું મોત નિપજ્યું હતું. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. કુવાડવા હાઈવે પર બે આખલાની લડાઈમાં નિર્દોષ આધેડ ખુંદાઈ જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. નવાગામમાં રહેતા આધેડ ઓડીના શો રૂમ પાસે ઝાડ નીચે બેઠા હતાં ત્યારે બે ખુટીયા આખડતા હોય અને આધેડને ઝપટે લઈ લેતાં તેનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, નવા ગામમાં મામાવાડી વિસ્તારમાં રહેતાં ઈસ્માઈલભાઈ ઈદ્રીશભાઈ શેખ (ઉ.48) નામના આધેડ આજે સવારે 10 વાગ્યાના અરસામાં કુવાડવા રોડ પર ઓડીના શો રૂમ નજીક જલારામ પાઈપ પાસે ઝાડ નીચે બેઠા હતાં ત્યારે બે ખુટીયા લડાઈ કરતાં હોય લડતાં લડતાં ઝાડ નીચે બેઠેલા ઈસ્માઈલભાઈને અડફેટે લેતાં બન્ને ખુટીયાની લડાઈમાં નિર્દોષ ઈસ્માઈલભાઈ ખુંદાઈ જતાં શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. 108ના ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ઈસ્માઈલભાઈ ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ અને જલારામ પાઈપ પાસે છુટક મજુરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. આ બનાવથી પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.