રખડતા આખલાએ વધુ એક ભોગ લીધો: વૃધ્ધાનું મોત
રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં કાલાવડના આનંદપર ગામે પુત્રીના ઘર બહાર બેઠેલા વૃદ્ધાને આખલાએ ઢીંકે ચડાવ્યા હતા. વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ કાલાવાડના આણંદપર ગામે પુત્રીના ઘરે રહેતા કંકુબેન માવજીભાઈ રાઠોડ નામના 75 વર્ષના વૃદ્ધા ગત તા.4 માર્ચના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પુત્રીના ઘર બહાર બેઠા હતા ત્યારે આખલાએ ઢીંક મારી હતી. વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ઉના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટુંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધાને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. કંકુબેન રાઠોડ છેલ્લા ચાર વર્ષથી આણંદપર ગામે પુત્રી ભાનુબેનના ઘરે રહેતા હતા. આખલાએ ઢીંકે ચડાવતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.