વિચિત્ર ઘટના : મકાનમાં હાથ ફેરો કર્યા બાદ ભીંસ વધતા તસ્કર મુદ્દામાલ પરત ફેંકી ગયો
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મકાનનું રિનોવેશન કામ કરાવતાં ભરવાડ પરિવારની ગેરહાજરીમાં કારીગરે મકાનમાં હાથફેરો કરી 3.53 લાખની રોકડ અને દાગીનાની ચોરી કર્યા બાદ ભીંસ વધતાં તસ્કરે ચોરીનો મુદ્દામાલ પરત ફેંકી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તસ્કરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, મુળ જૂનાગઢ આકાશ ગંગા સોસાયટીમાં રહેતા અને ધોરાજીના પરબડી ગામના વતની જાવદભાઈ ભગાભાઈ રાતડિયા (ઉ.76) નામના વૃધ્ધે ધોરાજી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોટી પરબડી ગામના રામદેવ રાઠોડનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની વડીલો પાર્જીત મિલકત મોટી પરબડી ગામે આવેલ હોય જે મકાન જર્જરીત હાલતમાં હોય ગત તા.9-1-2024થી ફરિયાદીએ પોતાના મકાનનું રિનોવેશનનું કામ શરૂ કરાવ્યું હતું.
દરમિયાન તા.5-2-23નાં ફરિયાદીના પત્ની ધોરાજી ખરીદી કરવા ગયા હતા અને ફરિયાદી શેરીમાં બેઠા હતા ત્યારે કારીગરો કામ કરતાં હતાં. સાંજે પત્ની પરત આવ્યા બાદ પટારામાં સામાન મુકવા જતાં પટારાનો માલ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે પટારામાંથી 1,65,000ની કિંમતનો ત્રણ તોલાનો સોનાનો ચેઈન, રૂા.1.50 લાખની કિંમતનું પોણા ત્રણ તોલાની સોનાની બંગળી અને 30,000ની વિટી અને 8 હજારની રોકડ મળી કુલ 3.53 લાખની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.
આ ચોરીની ઘટના અંગે ફરિયાદી પોતાની રીતે તપાસ કરાવતાં હતાં ત્યારે તા.7-2-23ના સવારે મકાનનું રીનોવેશન કામ કરાવવા આવતાં રામદેવ રાઠોડ નામનો શખ્સ દાગીના ભરેલી કોથળી ઘરના ફળીયામાં ફેંકી ભાગી ગયો હતો. આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મંદિરમાં તસ્કરો ત્રાટકયા
ઉપલેટાના ખીરસરા ગામે રહેતા પરેશભાઈ ચનાભાઈ પરમાર (ઉ.39)ની જ્ઞાતિના ચામુંડા માતાજીના મઢને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીમાંથી રોકડ રકમ 5700નો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તસ્કરો સીસીટીવી ફુટેજમાં ચોરી કરતાં નજરે પડી રહ્યાં છે.