વ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકી
કોઠારીયા ગામથી આગળ પાણીનાં ટાંકાની સામે રહેતા અને કે.કે.વી હોલ પાસે રુદ્રા કેબમાં ડ્રાઈવિંગ કરતાં પિન્ટુ દિનેશભાઈ સોલંકી(ઉ.વ.23)એ તેના મિત્રનાં સ્કૂટર પર મહિને 60 ટકાનાં વ્યાજે લીધેલા રૂૂા.20 હજાર પર 20 હજાર ચુકવી દીધાં હોવા છતાં વ્યાજખોર કિરિટ પ્રભુદાસભાઈ ફિચડીયાએ તેની પાસે રહેલ તેના મિત્રનો ફોન લઈ ધમકીઓ આપી પરેશાન કર્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પિન્ટુએ પોલીસને જણાવ્યું કે, ત્રણેક મહિના પહેલાં તેના માતા સવિતબેનને પગમાં દુખાવો હોવાથી સારવાર માટે મિત્ર હાર્દિક ગોહેલને પૈસાની વાત કરી હતી. હાર્દિકે કોઠારીયા સોલવંટમાં સિતારામ સોસોયટીમાં આવેલા શ્રીજી જવેલર્સનાં કિરિટ ફીચડીયા વ્યાજે પૈસા આપતો હોવાનું કહેતાં તેણે આરોપીની દુકાને જઈ આધાર કાર્ડની ઝેરોક્ષ અને કોરો ચેક આપી રૂૂા.10 હજાર વ્યાજે લીધાં હતાં. આ સમયે આરોપીએ તારે દસ દિવસે મને 2 હજાર વ્યાજના આપવાનાં તેમ કહ્યું હતું.
તે આરોપીને દર દસ દિવસે બે હજાર વ્યાજ પેટે આપતો હતો. ત્યારબાદ તેની ટેક્સી અથડાતાં રીપેરીંગનો ખર્ચ આવતા તેને ફરી આરોપી પાસેથી 10 હજાર લીધા હતા.જેનું તે દર દસ દિવસે ચાર હજાર વ્યાજ આપતો હતો. તેણે આરોપીને વ્યાજ પેટે કુલ રૂૂા.20 હજાર ચુકવી દીધાં હોવા છતાં આરોપીએ તેની પાસે વધુ રૂૂા.20 હજારની માગણી કરી તેના મિત્રનાં મોબાઈલ કે જે આરોપીને અવેજ પેટે અપાયો હતો તે પરત નહીં આપતા અંતે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.