નિર્દોષોના ભોગ લેતી સિટી બસો બંધ કરો... જરૂર જ નથી
ઘરમાંથી બહાર નીકળતા જ કાયમ સિટી બસોની જ બીક લાગે છે, આના કરતા તો રિક્ષા સારી
સિટી બસના આતંકનો ભોગ બનેલ ચિંતન ભટ્ટના પરિવારજનોનો આક્રોશ, સ્મશાનયાત્રામાં હૈયાફાટ રૂદન
રાજકોટના ઈન્દિરા સર્કલે ગઈકાલે સવારે સીટીબસ હેઠળ કચડાઈ ગયેલાચાર મૃતકોની અંતિમ યાત્રામાં ભારે હદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. સ્મશાન યાત્રા દરમિયાન મૃતકોના સ્વજનોએ અનેક સવાલો ઉઠાવ્યા હતાં. અને જણાવ્યું હતું કે, મૃતકોનો વાક શું હતો? માત્ર તંત્રની બેદરકારીએતેમનો ભોગ લીધો છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના કર્મચારી ચિન્મય ભટ્ટ નામના યુવકની હાથીખાનામાં આવેલ તેના નિવાસ સ્થાનેથી સ્મશાનયાત્રા નિકળી ત્યારે હૈયાફાટ રૂદન કરતા તેના પરિવાર જનોએ આક્રોશભેર જણાવ્યું હતું કે, સીટીબસના ડ્રાઈવરને કડકમાં કડક સજા આપો, આવુ બીજા સાથે થવું જોઈએ નહીં, બીજાના નોંધારા ન થઈ જાય તે માટે પુરી તકેદારી તંત્રએ રાખવી જોઈએ.
ચીંતનના અન્ય એક પરિજને જણાવ્યું હતું કે, તેના માતા-પિતા બન્નેનું અગાઉઅવસાન થયું છે. ભાઈ-બહેન એકલા જ રહેતા હતા ભાઈના મોતથીબહેન એકલી થઈ ગઈ છે.
તેમણે આક્રોશભેર જણાવ્યું હતું કે, નિર્દોષ લોકોના ભોગ લેતી સીટીબસો બંધ કરી દો... તેની જરૂર જ નથી. રીક્ષા છે જ.. જ્યાં જવું હોય ત્યાં રીક્ષા સસ્તી પડે છે. આ બસો કાયમની ચિંતા છે, ઘર બહાર નીકળતા જ કાયમ તેનાથી બીક જ લાગે છે.
મૃતક ચિંતનના ફાઈબા રચનાબેને રડમસ સ્વરે જણાવ્યું હતું કે, ચિંતનના માતા અને પિતાના અવસાન બાદ બહેન-ભાઈ મારી ઘરે જ રહેતા હા હવે ચિંતન પણ જતો રહ્યો, દિકરી નોંધારી થઈ ગઈ... આના માટે જવાબદાર કોણ? આવા લોકોને સિટીબસ ચલાવવા દેવી જોઈએ જ નહીં, પબ્લીકનું તો જોવું જોઈએને..