દરેક જિલ્લામાં જંત્રી સુધારણા કમિટી બનાવતી રાજ્ય સરકાર
મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તાર માટે અલગ અલગ કમિટીઓ કાર્યરત કરવા પરિપત્ર
દરેક કમિટીનું કાર્યક્ષેત્ર પણ નક્કી કરી દેવાયું, સુધારણા માટે વધુમાં વધુ 15 દિવસનો સમય નિયત કરાયો
ગુજરાતમાં બાર વર્ષ બાદ નવી જંત્રીના અમલીકરણ માટે બહાર પાડવામાં આવેલા સુચિત મુસદા સામે ભારે વિરોધ ઉઠ્યા બાદ રાજ્ય સરકારે જંત્રીના મુસદા સામે વાંધા-સુચનો સાંભળવાની મુદત એક માસ લંબાવી દીધી છે. ત્યારે હવે સરકારે એક મહત્વનું પગલું ભરી દરેક જિલ્લામાં જંત્રી સુધારણા સમિતિની રચના કરી છે અને તેનું કાર્યક્ષેત્ર પણ નક્કી કર્યુ છે. આજરોજ આ અંગેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડી દેવામાં આવેલ છે.
સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે જે મુજબ દરેક જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા જંત્રી સુધારણા સમિતિનું અલગ અલગ માળખુ બનાવવામાં આવેલ છે. મહાનગરાપલિકા વિસ્તાર આવતો હોય ત્યાં સમિતિના અધ્યક્ષપદે જિલ્લા કલેક્ટર તેમજ સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારી, સબંધીત મહાનિગરપાલિકા તથા શહેરીવિકાસ સત્તા મંડળના પ્રતિનિધિ, સબંધીત જિલ્લા શાખાના નગરનિયોજક, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડની સભ્ય તરીકે તેમજ સ્ટેમ્પડ્યુટી વિભાગના નાયબ કલેક્ટરની સભ્ય સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
જ્યારે નગરપાલિકા વિસ્તારમાં પણ કલેક્ટર અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી, નગરનિયોજક, સ્ટેમ્પ સુપ્રીટેન્ડન્ટ તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને સભ્ય તરીકે અને નાયબ કલેક્ટર સ્ટેમ્પડ્યુટીને સભ્ય સચિવ તરીકે નિમણુંક આપવામાં આવી છે. આજ રીતે ગ્રામ્ય વિસ્તાર માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારી, નગરનિયોજક, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડને સભ્ય તેમજ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીને સભ્યસચિવ તરીકે નિમણુંક અપાઈ છે.
આ કમિટિને મુસદારૂપ જંત્રીને 2024 સામે રજૂ થયેલ વાંધાસુચનો બાબતે નક્શા મુજબ કોઈ સર્વે નંબર, અંતિમ ખંડ કે સીટી સર્વે નંબર રહી ગયેલ હોય તેમજ જે તે વિસ્તાર ગ્રામ્ય કે શહેરી પ્રકારમાં યોગ્ય રિતે સમાવીષ્ટ કરી શકાયેલ ન હોય તે બાબતે સત્યતા ચકાસી અભિપ્રાય આપવાનો રહેશે. આ ઉપરાંત આ સમિતિએ વાંધા સુચનો તથા રજૂઆતો સ્વીકારવાની મુદત પૂર્ણ થયાથી તથા અન્ય બાબતોએ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તંત્ર તરફથી રજૂ થતી દરખાસ્ત અંગે 15 દિવસમાં સમિતિએ લેખીત અભિપ્રાય આગળની કાર્યવાહી માટે સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ગુજરાત રાજ્ય ગાંધીનગરને મોકલી આપવાની રહેશે.
જંત્રી અમલમાં આવ્યા બાદ પ્રસિદ્ધ થયેલ જંત્રીમાં રહેલ વિસંગતતા તથા ક્ષતિએ જેવી કે, મુંદ્રણ, ટાઈપીંગ, ગણતરી, ડેટા એન્ટ્રીની ભૂલ કે, કારકુની ભુલચુક હોય અથવા કોઈ વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર, સીટી સર્વે નંબર કે ફાઈનલ પ્લોટ કે અન્ય કોઈ માહિતી કે ભાવોનો જંત્રીમાં સમાવેશ થયેલ ન હોય તો આવી ભુલચુક સુધારવા જરૂર જણાય તો નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી પાસેથી રેકર્ડ આધારિત ચકાસણી કરાવવી જરૂર પડ્યે ફિલ્ડ સર્વે કરાવી અભિપ્રાય મેળવ્યા બાદ 15 દિવસમાં કાર્યવાહી અર્થે સ્ટેમ્પ સુપ્રિન્ટેન્ડન્ટ ગાંધીનગરને મોકલી આપવાનું રહેશે.
આમ જિલ્લા જંત્રી સુધારણા સમિતિઓની રચના સાથે સરકારે કમિટિઓનું કાર્યક્ષેત્ર પણ નક્કી કરી લેતા હવે આગામી દિવસોમાં જંત્રીના સુચિત મુસદા સામે વાંધા સુચનો રજૂ કરવાની મુદતમાં વધારો થાય તેવી શક્યતા નહીવત જણાય છે.