લવ મેરેજ મુદ્દે રાજ્ય સરકાર એકશનમાં, પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજાઈ
ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૌશિક વેકરિયા સહિતના આગેવાનો જોડાયા
ગુજરાતમાં ભાગીને થતા લગ્નોના મામલે કાયદાકીય ફેરફારોની માગણીને લઈને આજે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DyCM હર્ષ સંઘવી અને ભાજપના નેતા કૌશિક વેકરિયા સાથે પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો જોડાયા હતા. સમાજ દ્વારા મુખ્યત્વે લગ્નની નોંધણી કાયદામાં સુધારો કરવાની માગણી કરવામાં આવી છે.
આ માગણીનો મૂળ હેતુ એ છે કે યુવક-યુવતીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા લગ્નના કિસ્સાઓમાં, માતા-પિતાની જાણ બહાર અને તેમની સંમતિ વિના થતા લગ્નો પર અંકુશ લાવી શકાય. સમાજની સ્પષ્ટ માગ છે કે લગ્નની નોંધણી વખતે યુવક અને યુવતીના માતા-પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે. આ કાયદાકીય ફેરફારથી સામાજિક સમસ્યાઓ ઘટશે અને પરિવારની સહમતી જળવાઈ રહેશે. સરકારે પાટીદાર સમાજના આગેવાનોની રજૂઆત ધ્યાનથી સાંભળી છે અને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ સંવેદનશીલ મુદ્દે કયા પ્રકારના કાયદાકીય પગલાં લે છે અને લગ્ન નોંધણીના કાયદામાં કેવા સુધારા લાવવામાં આવે છે.