ટ્રાફિક માટે સમસ્યારૂપ બનેલા સર્કલો તોડવાનું શરૂ
કોટેચા ચોક અને રૈયા ટેલિ. એક્સચેન્જના સર્કલ તોડી નાના કરાયા
ગ્રીનલેન્ડ ચોકડી, ભક્તિનગર, સોરઠિયાવાડી, જિલ્લા પંચાયત ચોક સહિત અન્ય સાત સર્કલો પણ તોડાશે
રાજકોટ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યામાં રસ્તાઓ ઉપર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ટ્રાફિક સર્કલો પણ જવાબદાર હોવાનો રિપોર્ટ આવતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી રસ્તા દબાવીને બનાવવામાં આવેલા મોટા સર્કલો તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને આજે કાલાવડ રોડ ઉપરના કોટેચા સર્કલ ઉપરાંત 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલીફોન એક્સચેન્જ સર્કલ તોડીને રસ્તા ખુલ્લા કરાયા હતાં અને આ સર્કલો નાના કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા કોર્પોરેશન દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.
આ સિવાય શહેરના અન્ય સાત સર્કલો પણ તોડી નાના કરવામાં આવનાર છે. જેમાં ગ્રિનલેન્ડ ચોકડી, ભક્તિનગર સર્કલ, આજીડેમ સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, ચૂનારાવાડ ચોક સર્કલ, જિલ્લા પંચાયત ચોક સર્કલ અને આજી વસાહતમાં આવેલા અમૃલ સર્કલનો સમાવેશ થાય છે. આ સર્કલો પણ આગામી દિવસોમાં તોડીને નાના કરવામાં આવનાર છે.
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતુ ંકે, શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત પ્રયાસો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે શહેરના મુખ્યમાર્ગો ઉપર આવેલા મોટા સર્કલો તોડી નાના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને શહેરના 9 જેટલા સર્કલો અગ્રતાના ધોરણે નાના કરવા પોલીસ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પગલે આજે કોટેચા ચોક સર્કલ અને રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ તોડી તેને રિડિઝાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જ્યારે આગામી દિવસોમાં અન્ય સાત સર્કલો પણ તોડી પાડી રિડિઝાઈન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દર મહિને રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરો અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ વચ્ચે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બેઠક મળે છે. આ બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા અંગે ચર્ચા કરી જરૂરી આયોજનો કરવામાં આવે છે. જેના ભાગરૂપે 9 જેટલા સર્કલો અગ્રતાના ધોરણે તોડવા નિર્ણય લેવામાં આવ્યો છે.