For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રારંભે શૂરા; કોંગ્રેસની ન્યાય યાત્રા અધવચ્ચે જ ઝાંખી પડી

11:22 AM Aug 17, 2024 IST | Bhumika
પ્રારંભે શૂરા  કોંગ્રેસની ન્યાય યાત્રા અધવચ્ચે જ ઝાંખી પડી
Advertisement

યાત્રાનો અડધો રૂટ પુરો થઈ ગયો છતાં કોઈને ખબર પણ નથી

પ્રદેશ નેતાઓએ મોઢું ફેરવી લીધું, કાર્યકરોની પણ પાંખી હાજરી

Advertisement

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક બેઠક મળ્યા બાદ ફોર્મમાં આવી ગયેલી કોંગ્રેસે રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને મુદા બનાવી મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા કાઢી છે પરંતુ પ્રારંભે સુરા જેવી કોંગ્રેસની હાલત જોવા મળી રહી છે. આ ન્યાય યાત્રા રાજકોટ સિવાય કયાંય પણ પ્રભાવ પાડી શકી નથી અને પ્રદેશ નેતાઓએ મોઢુ ફેરવી લેતા હવે આ ન્યાયયાત્રા બિલકુલ ફીક્કી પડી ગઈ છે.

કોંગ્રેસે કાઢેલી ન્યાય યાત્રા સામે ભાજપે કાઢેલી તિરંગાયાત્રામાં ભાજપના તમામ નેતાઓ ભારે જોમ-જુસ્સા સાથે જોડાઈ જતાં ભાજપની તિરંગાયાત્રા સામે કોંગ્રેસની ન્યાયયાત્રા ઝાંખી પડી ગઈ છે. ન્યાય યાત્રામાં લાલજી દેસાઈ, જીજ્ઞેશ મેવાણી અને પાલ આંબલીયા સિવાય કોઈ નેતાઓ દેખાતા નથી.

રાજકોટ અગ્નિકાંડના વિરોધમાં કોંગ્રેસે બંધનું એલાન આપ્યું. રાજકોટ સજ્જડ બંધ રહ્યું અને કોંગ્રેસને સફળતા મળી. આ સફળતા એવી હતી કે ભાજપે પણ તેની નોંધ લેવી પડી. સફળતાનો લાભ ઉઠાવવા કોંગ્રેસે ન્યાય યાત્રાનું પ્લાનિંગ કર્યું. જેમાં રાજકોટ અગ્નિકાંડ, મોરબી પુલ દુર્ઘટના, વડોદરા બોટકાંડ અને સુરતના તક્ષશિલાકાંડના પીડિત પરિવારોને સાથે રાખવાનું અને તેમને અન્યાય થયો હોવાનો મુદ્દો ઉઠાવવાનું નક્કી કર્યું. 9મી ઓગસ્ટે શરૂૂ થયેલી આ ન્યાય યાત્રાને પીડિત પરિવારોનો સાથ ન મળ્યો. ઘણા પીડિત પરિવારોએ તેમાં જોડાવાની ચોખ્ખી ના કહી દીધી.

રાજકોટ બંધ સમયે પીડિત પરિવારો પ્રત્યે લોકોની સંવેદના હતી પણ કોંગ્રેસની ન્યાય યાત્રામાં તે સંવેદના ન દેખાઇ. લોકોની સંવેદના જ નહીં કોંગ્રેસના મોટા નેતાઓનો સાથ પણ આ યાત્રાને ન મળ્યો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ અપાયું હોવા છતાં તેઓ આવ્યા નહીં. હવે કોંગ્રેસે જાહેરાત કરી છે કે 23મી તારીખે મલ્લિકાર્જુન ખડગે આ યાત્રામાં જોડાશે.

કોંગ્રેસમાં આવી સ્થિતિનો અભાવ દેખાયો. 4 મહિના પહેલા ચૂંટણી લડવા ઉતરેલા લોકસભાના 4-5 ઉમેદવારો સિવાય કોઇ દેખાયું નહીં. કોંગ્રેસના નેતાઓના સોશિયલ મીડિયા પર પણ યાત્રાની કોઇ વિગતો જોવા ન મળી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા તો હતા પરંતુ પદયાત્રા ન કરી. આમ ખુદ કોંગ્રેસના નેતાઓ જ ન્યાય યાત્રા પ્રત્યે ઉદાસીન હોવાનું લાગ્યું. શહેરી વિસ્તારોમાં ન્યાય યાત્રામાં ભીડ તો જોવા મળી પણ ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ટોળું જ જોવા મળ્યું. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત કરી હતી તે જુસ્સો જમીન પર ન દેખાયો. લાલજી દેસાઇ પણ ખુદ એવું સ્વીકારે છે કે ગુજરાતમાં સેવાદળ નબળું છે.

9મી ઓગસ્ટે મોરબીથી શરૂૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા અત્યાર સુધીમાં 150 થી વધુ કિલોમીટરનું અંતર કાપી ચૂકી છે. ગાંધીનગર પહોંચતા સુધીમાં તે 300 કિલોમીટરનું અંતર કાપશે. માર્ચ મહિનામાં ગુજરાતમાં આવેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓએ ભાગ લીધો હતો પરંતુ પીડિતો માટેની આ ન્યાય યાત્રામાં હજુ સુધી અમુક મોટા નેતાઓ ફરક્યા જ નથી.

યાત્રામાં 2 બસ અને 3 ટેમ્પો છે. અમુક જગ્યાએ રોકાવાનું હોય કે આસપાસના ગામમાં ઉતારો હોય તો ત્યાં જવા માટે બસનો ઉપયોગ કરાય છે. જ્યારે એક ટેમ્પોમાં સાઉન્ડ સિસ્ટમ છે, જેમાં દેશ ભક્તિના ગીતો વાગતા રહે છે.
બીજા ટેમ્પોમાં પાપનો ઘડો મુક્યો છે અને ત્રીજામાં પત્રિકાઓ સહિતનો સામાન રાખવામાં આવ્યો છે. યાત્રા જ્યાં પહોંચે ત્યાં સ્થાનિક કક્ષાના નેતાઓ-કાર્યકરોની કાર પણ જોડાય છે.

યાત્રામાં સામેલ લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કોણ કરે છે?
યાત્રામાં સામેલ લોકોનો રાતવાસો મોટાભાગે ધર્મશાળા અને સ્થાનિક કક્ષાએ કોઈ એવી શાળા હોય તેમાં જ કરાય છે. તેમના માટે ચા-પાણી, નાસ્તો, જમવાનું વગેરેની વ્યવસ્થા ત્યાંના કાર્યકરો કરે છે. સેવાદળ અને કોંગ્રેસના કાર્યકરો તેનો ખર્ચ ઉપાડે છે.

અમુક લોકો પડદા પાછળ રહીને ખર્ચ ઉપાડે છે. જે પોતાના નામ જાહેર નથી કરતા.
યાત્રામાં જોડાયેલા લોકો સવારે 7 વાગ્યા આસપાસ ઉઠી જતા હોય છે. 8 વાગ્યે ધ્વજવંદન કરે છે અને યાત્રાની શરૂૂઆત કરે છે. રોજ 25 કિલોમીટર ચાલવાનો ટાર્ગેટ હોય છે પણ ક્યારેક 20 થાય, ક્યારેક 22 થાય તો ક્યારેક 25 કિલોમીટર પણ થઇ જાય. જમવાનો સમય થાય તો જ્યાં આયોજન હોય ત્યાં જમી લે છે. રાત પડી જાય અને ટાર્ગેટ પ્રમાણેનું રાત્રિ રોકાણનું સ્થળ આવી જાય તો ત્યાં રોકાઇ જાય છે. રાત્રિ રોકાણના સ્થળે જ ભોજનની પણ વ્યવસ્થા કરેલી હોય છે.

23મીએ સમાપનમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જોડાશે
બીજી તરફ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતની મુલાકાતે આવશે. માહિતી મુજબ, 23 ઓગસ્ટનાં રોજ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવવાના છે. ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનાં સમાપન કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે હાજરી આપશે. જણાવી દઈએ કે, 9 જુલાઈથી મોરબી ખાતેથી શરૂૂ થયેલી ન્યાય યાત્રાનું અમદાવાદ ખાતે સમાપન થશે. ન્યાય યાત્રાનાં સમાપનમાં મલ્લિકાર્જુન ખડગે સભાને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, હાલ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પણ ગુજરાતની મુલાકાતે છે. આજે પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફર્સની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદિશ ઠાકોર સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠનમાં યોગ્ય ફેરફાર અંગે ચર્ચા કરાઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement