ગોંડલ માર્કેટ યાર્ડ બહાર મરચા ભરેલો ટ્રક સળગતા નાસભાગ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર મરચાં ભરેલા એક આઇસર ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટના વીજળીના તારને મરચાંની ભારીઓ અડી જતાં સર્જાઈ હતી, જેમાં આશરે લાખ રૂૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શાલીભદ્ર નામની પેઢી ધરાવતા એક વેપારીએ મરચાંની ખરીદી કરી હતી. આ ખરીદેલા મરચાં રાજસ્થાન મોકલવા માટે આઇસર ટ્રકમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા.
જ્યારે આઇસર ટ્રક યાર્ડની બહાર મેઈન રોડ પર પહોંચ્યો, ત્યારે ટ્રકમાં ભરેલી મરચાંની ભારીઓ ઉપરથી પસાર થતા વીજળીના તારને અડી ગઈ હતી. આના કારણે ગણતરીની ક્ષણોમાં જ આગ ભભૂકી ઉઠી હતી.
આ અકસ્માતમાં આશરે 20 જેટલી મરચાં ભરેલી ભારીઓમાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ માર્કેટયાર્ડમાંથી તાત્કાલિક પાણીના ટેન્કરો મંગાવવામાં આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગના કારણે દૂર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા હતા.