શેર સર્ટીફિકેટ ટ્રાન્સફર કરવા પર સ્ટેમ્પ ડ્યુટી વસુલવાનું શરૂ
43 વર્ષ પછી સરકારે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી અને સાથે 2થી 3 ટકાનો દંડ લેવાનું શરૂ કર્યુ
વર્ષો સુધી હાઉસીંગ સોસાયટીઓમાં શેર સર્ટીફિકેટને ઠરાવના આધારે સભ્યો વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવતા હતાં. વર્ષો સુધી આ અંગે કોઈ સ્ટેમ્પ ડ્યુટી વસુલવામાં ન આવતી હતી પરંતુ એક મહિના પહેલા ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કાયદામાં સુધારો જાહેર કર્યા બાદ હવે સબરજીસ્ટ્રર કચેરી દ્વારા આ અંગે શેર સર્ટિફિકેટ ટ્રાન્સફર પર ખુટતી સ્ટેમ્પ ડ્યુટી અને દંડ ઉઘરાવાનું ચાલુ કરતા લોકોને આર્થિક ફટકો પડ્યો છે.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં સુધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે આ સુધારા અનુસાર 27 એપ્રિલ 1982 પછી શેર સર્ટિફિકેટ ફાળવવામાં આવ્યું હોય અથવા તો 4 એપ્રિલ 1994 પછી એસોસીએશન એસોસીએશન બનાવવામાં આવ્યું હોય તો આવા કિસ્સામાં વણચુકવાયેલ સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત પણ સબ રજીસ્ટ્રર કચેરી દ્વારા પણ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી હાઉસીંગ સોસાયટીઓમાં મોટાભાગે 10 હજારથી 25 હજાર સુધીની સ્ટેમ્પ ડ્યુટી વસુલવામાં આવતી હતી અને તેની ઉપર 250 રૂપિયાનો વધારાનો દંડ ઉઘરાવવામાં આવતો હતો પરંતુ હવે નવા કાયદા મુજબ જૂની સ્ટેમ્પ ડ્યુટી પણ વસુલ કરવામાં આવે છે. આ ઉપરાંત પણ ખુટતી સ્ટેમ્પ ડ્યુટી સાથે બે ટકા દંડ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત જો સબ રજીસ્ટ્રર કચેરી દ્વારા ખુટતી સ્ટેમ્પ ડ્યુટી વસુલ કરવા માટે નોટીસ આપવામાં આવે છે અને તે બાદ સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવે તો દંડની રકમ બે ટકાથી વધારીને 3 ટકા વસુલવાની જોગવાઈ પણ કરાઈ છે.