કોઠારિયામાં 10 હજાર ચોરસ મીટર જમીનમાં બનશે સાઉથ ઝોન કચેરી
રાજકોટમાં સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ બાદ હવે ચોથા સાઉથઝોનની રચના કરવામાં આવનાર છે. અને આ માટે આગામી બજેટમાં રૂા. 77 કરોડની જોગવાઈ પણ કરવામાં આવનાર છે.
આજે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન જયમીન ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા વચ્ેચ મહાનગરપાલિકાના આગામી બજેટ અંગે ચર્ચા થઈ હતી આ દરમિયાન શહેરમાં નવા ભળેલા કોઠારિયા સહિતના વિસ્તારોના લોકોને પોતાના કામો માટે સેન્ટ્રલઝોન કચેરી સુધી ધક્કા ખાવા પડે નહીં તે માટે કોઠારિયામાં સાઉથ ઝોન કચેરી ખોલવા નિર્ણય લેવાયો હતો.
કોઠારિયામાં લિજ્જત પાપડની પાછળ આવેલ આશરે 10 હજાર ચોરસ મીટર કોમર્શિયલ હેતુની જમીનમાં આ ઝોન કચેરી બનાવવા માટે અગાઉ રૂા. 6 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તે વધારીને રૂા. 77 કરી દેવામાં આવી છે.
સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન જયમિનઠાકરે જણાવેલ કે, કોઠારિયામાં આગામી 20 વર્ષની સુવિધા અને જરૂરિયાત ધ્યાને રાખીને ઝોડી કચેરી બનાવવામાં આવશે અને ચાલુ નાણાકીય વર્ષમાં જ ટેન્ડર બહાર પાડી વહેલામાં વહેલી તકે કચેરી કાર્યરત કરવા પ્રયાસ કરાશે.