‘મારી સાથે ચીટીંગ થયું છે’ વીડિયો બનાવી સોની વેપારીનો આપઘાત
રાજકોટ શહેરના સામાકાંઠે મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આવકાર હાઇટસમાં રહેતો સોની વેપારી ગઇ તા.28/4ના રોજ ગુમ થયા બાદ આજે સવારે પડધરીના ન્યારી ડેમ-2માંથી તેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
યુવાને આપઘાત પુર્વે તેનો એક વિડીયો બનાવ્યો હતો. જેમાં તે બોલી રહ્યો છે કે મારી સાથે ચીટીંગ થયું છે. વેપારીએ કરેલા આપઘાત પ્રકરણમાં તેનો મોબાઇલ એફએસએલમાં મોકલવામાં આવશે તેમજ આ અંગે પડધરી પોલીસ તપાસ ચલાવી રહી છે.
બનાવની વધુ વિગતો અનુસાર મોરબી રોડ સેટેલાઇટ ચોક આવકાર હાઇટસમાં રહેતા ધવલભાઇ બીપીનભાઇ લાઠીગ્રા (સોની) (ઉ.વ.31) નામના યુવાનની આજે પડધરી પાસેના ન્યારી ડેમ-2માંથી લાશ મળી આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે. તેમને સંતાનમાં એક 10 મહીનાની દીકરી છે તેમજ ધવલ સોની પેલેસ રોડ પર હીરાપન્ના નામની દુકાન ધરાવી ત્યાં સોની કામ કરતો હતો પોતે બે બહેનનો એકનો એક ભાઇ હતો.
તેમના પરિવારે જણાવ્યું હતું કે ધવલ તા.28/4ના રોજ ઘરેથી ગુમ થયો હતો અને તેના ગુમનોંધ બી ડીવીઝન પોલીસમાં કરી હતી. ત્યારબાદ તેની શોધખોળ કરી હતી. પરંતુ કયાંય મળી આવ્યો નહોતો અને આજે પોલીસમાંથી કોલ આવ્યો કે ધવલનો મૃતદેહ ન્યારી ડેમમાંથી મળી આવ્યો છે.
બીજી બાજુ ધવલનો એક વીડીયો સામે આવ્યો હતો તેમાં તે બોલતો હતો કે તેની સાથે ચીટીંગ થયું હતું. જેના નામ તે લઇ શકે તેમ નથી પરંતુ માણસ કોઇ દીવસ ખોટુ ન બોલી સૌનુ સારૂ કરે ભગવાન, જયશ્રી કૃષ્ણ. આ વિડીયો મારફતે પડધરી પોલીસે તપાસ શરૂ કરી છે.