ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા બાદ સરપંચ બનેલા પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ
ચકચાર મચાવનારા 1.29 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ
ભરૂૂચ જિલ્લામાં ચકચાર મચાવનારા રૂ. 1.29 કરોડના મનરેગા કૌભાંડ માં પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. ગઈકાલે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ક્લાર્ક રાજેશ ટેલર ની ધરપકડ બાદ, આજે આ કેસમાં ત્રીજી ધરપકડ તરીકે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા ને ઝડપી પાડવામાં આવ્યા છે. દિગ્વિજય જોટવાને લઈ પોલીસની ટીમ ભરૂૂચ આવવા રવાના થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતથી ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા. રસપ્રદ વાત એ છે કે, બે દિવસ પહેલા જ તેમના સરપંચ બનવાની ઉજવણીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, અને હવે તેમની ધરપકડ થતાં રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.આ કૌભાંડમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે, અને પોલીસ દિગ્વિજય જોટવાની પૂછપરછ કરીને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. આ ધરપકડો દર્શાવે છે કે સરકાર મનરેગા જેવી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર પ્રત્યે ગંભીર છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા કટિબદ્ધ છે.
નોંધનીય છે કે, ગઈકાલે ભરૂૂચ પોલીસ ગીર સોમનાથ પહોંચી હતી. પોલીસે ગીર સોમનાથથી હીરા જોટવાને તપાસ અર્થે પોતાની સાથે લઈ લીધા હતા. મનરેગા કૌભાંડમાં જોટવાનું નામ ચર્ચામાં આવ્યું હતું, અને ત્યારબાદ પોલીસે આ કૌભાંડ મામલે તેમની અટકાયત કરી હતી.જૂન 1, 1968 ના રોજ જન્મેલા હીરા જોટવા કોંગ્રેસમાં વિવિધ પદો પર રહ્યા હતા. તેમણે પોતાની 3 દાયકાની રાજકીય કારકિર્દી દરમિયાન કોંગ્રેસમાં અનેક મહત્વના પદો પર ફરજ બજાવી હતી. જેમાં 1995 થી 2000 દરમિયાન વેરાવળ યુથ કોંગ્રેસ પ્રમુખ, 2002 થી 2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ, 2005 થી 2010 સુધી જૂનાગઢ બક્ષીપંચ વિભાગના પ્રમુખ, 2010 થી 2015 દરમિયાન જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, તેમજ 2015 થી 2018 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા હતા.