મામાના ઘરે આંટો ગયેલી માતાને તેડવા જતા પુત્રનું અકસ્માતમાં મોત
ચોટીલાની ઘટના: ઝીંઝુડાથી સગીર બાઇક લઇ ચુડા જતો હતો ત્યારે બે બાઇક અથડાતા ઘટી ઘટના
ચોટીલા પંથકમાં આવેલા ઝીંઝુડા ગામના સગીરનું ચુડા મામાના ઘરે ગયેલા માતાને બાઈક લઈને તેડવા જતી વેળાએ ચોટીલામાં મયૂર હોટેલ પાસે અન્ય બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઈજા પામેલા સગીરનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. 14 વર્ષના સગીરને બાઇક ચલાવવા આપનાર વિરુદ્ધ ચોટીલા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં આવેલા ઝીંઝુડા ગામે રહેતા અક્ષય દિલીપભાઈ ગાભા (ઉ.વ.14) સાંજે સાતેક વાગ્યા આસપાસ બાઇક લઈને જતો હતો, ત્યારે ચોટીલામાં આવેલી મયૂર હોટેલની પાસે અજાણ્યા બાઈકચાલક સાથે સગીરની બાઇકનું અકસ્માત સર્જાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્થિતિમાં સગીરને ચોટીલા બાદ રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર લીધા પૂર્વે જ સગીરનું દર્દનાક મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. ચોટીલા પોલીસ મથકના જમાદાર રામભાઈએ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે બનાવ અંગે જણાવ્યું હતું કે, મૃતક અક્ષય ગાભાની ઉંમર 14 વર્ષ હતી. ધોરણ 8 સુધીનો અભ્યાસ કરી તેણે ભણવાનું છોડી દીધું હતું. મૃતકના પિતા ખેતીકામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ચોટીલા કોઈ કામથી આવ્યો હોવાથી ચુડા ગામે વ્યવહારિક કામથી મામાના ઘરે ગયેલા તેના માતાને અક્ષય તેડવા માટે ચોટીલાથી નીકળ્યો હતો, ત્યારે રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે 14 વર્ષીય સગીરને બાઇક ચલાવવા આપનાર વિરુદ્ધ પૂછતાછ અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મૃતકના પિતાને તે અંગે પૂછપરછ કરતાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે, અક્ષય તેમની જાણ બહાર મોટા ભાઈ વિપુલની બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો. મૃતક ત્રણ ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો હતો. ઘરના લાડકવાયા પુત્રનાં મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે માતાને તેડવા જતી વખતે સગીરનું ચોટિયા મયુર હોટેલ પાસે અન્ય બાઇક સાથે અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ એકઠી થઇ ગઇ હતી.