For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઈ દીકરા દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યો

11:33 AM Jun 13, 2025 IST | Bhumika
કોઈ દીકરા દીકરીને મળવા  કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યો

RSS સાથે જોડાયેલા નેતા બદરૂદ્દીન હાલાણી પત્ની-ભાભી સાથે લંડન જતા હતા

Advertisement

વિજયભાઈ રૂપાણી પુત્રીને મળવા લંડન પહોંચે તે પહેલા પત્નીને આઘાતજનક સમાચાર મળ્યામાંડલ તાલુકાનાં રિટાયર્ડ પોલીસકર્મી પત્ની સાથે દીકરાને મળવા લંડન જતા હતા

"કેન્સર પીડિતા પત્નીના મૃત્યુ બાદ ધાર્મિક વિધિ કરી પતિ પરત લંડન જઈ રહ્યો હતો"

Advertisement

અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાનાં બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાને લંડનનાં ગેટવિક માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી સહિત 240 થી વધુ લોકો સવાર હતા. ઉડાનનાં માત્ર 10 મિનિટ બાદ જ વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી સહિતના લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે, વિમાનમાં સવાર કેટલાક મુસાફરોની વિગત પણ સામે આવી છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી તેની લંડન રહેતી પુત્રીને મળવા જઈ રહ્યા હતા.તેમના પત્ની અંજલિબેન રૂૂપાણી બે દિવસ પહેલા જ લંડન પહોંચી ગયા હતા અને વિજયભાઈની રાહ જોઇ રહ્યા હતા ત્યાં આઘાત જનક સમાચાર મળ્યા હતા

માહિતી અનુસાર, એર ઇન્ડિયાનાં વિમાનમાં ભાજપ અને RSS સાથે જોડાયેલા નેતા બદરૂૂદીન હાલાણી તેમની પત્ની અને ભાભી સાથે સવાર હતા. બદરૂૂદીન વાપીમાં BJP ના લઘુમતી હોદ્દા પર રહીને વર્ષોથી જવાબદારી નિભાવતા હતા. તેમણે અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. થોડા સમય પહેલા જ તેઓ આણંદ ખાતે પોતાના પરિવાર સાથે શિફ્ટ થયા હતા. આજે તેઓ પત્ની અને ભાભી સાથે UK માં રહેતા પોતાનાં દીકરાને મળવા માટે જઇ રહ્યા હતા.

અમદાવાદ જિલ્લાનાં માંડલ તાલુકાનાં રખિયાણા ગામનાં દંપતીનું પણ વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. માહિતી અનુસાર, ભોગીલાલ પરમાર અને હંસાબેન પરમાર વિમાનથી દીકરાને મળવા લંડન જઈ રહ્યા હતા. ભોગીલાલ પરમાર રિટાયર્ડ પોલીસકર્મી હતા. તેમનો મુસાફરી દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ વિમાનમાં સુરતનો યુવક અર્જુન પટોળિયા પણ હતા. જે કેન્સર પીડિતા પત્નીનાં મૃત્યુ બાદ ધાર્મિકવિધિ કરવા માટે 2 જૂને સુરત આવ્યા હતા. અર્જુન પટોળિયાને તેમના પરિવારના સભ્યો આ ફ્લાઈટમાં બેસાડીને આવ્યા હતા. અર્જુન આ ફ્લાઈટમાં હોવાની પુષ્ટિ લંડનમાં રહેતી તેની બહેને કરી છે. ઉપરાંત, વિમાનમાં સુરતનાં કોસંબા-તરસાડીનાં દંપતી પેસેન્જર પણ સવાર હતા. અર્જુનસિંહ વાંસડિયા અને ધર્મપત્ની દિવ્યાબેન વાંસડીયા લંડનમાં રહેતી પોતાની દીકરી અને જમાઈને મળવા માટે જઈ રહ્યા હતા.

અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર પ્લેનમાં સવાર હતા. પાડોશીનાં જણાવ્યા અનુસાર, આજે સવારે પાલનપુરથી નીકળી અમદાવાદથી લંડન ફ્લાઈટમાં જઈ રહ્યા હતા. રમેશભાઈનો દીકરો લંડનમાં રહેતો હોવાથી તેને મળવા માટે પતિ-પત્ની જઈ રહ્યા હતા. ઉપરાંત, આ વિમાનમાં આણંદનાં ઉમરેઠનાં મહિલા પેસેન્જર સલમાબેન રઝાકભાઈ વહોરા પણ સવાર હતા. પોતાની દીકરીની ડિલિવરી માટે લંડન જઈ રહ્યા હતા. આણંદ જિલ્લાનાં વાસદનાં 3 લોકો પણ સવાર હતા.

માહિતી અનુસાર, કૃષ્ણા રિવરસાઈડનાં માલિક રજનીકાંત પટેલનો પરિવાર જેમાં દિવ્યા રજનીકાંત પટેલ, હેમાગીનીબેન અરુણભાઈ પટેલ આ વિમાનમાં સવાર હતા. તારાપુરનો આશાસ્પદ યુવક પાર્થ શર્મા પણ આ વિમાનમાં સવાર હતો જે સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યો હતો. પાર્થ શર્માનો એરપોર્ટ બહારનો ફોટો પણ સામે આવ્યો છે.

ખેડામાં રહેતા પરવેજ વહોરા અને તેમની 6 માસની દીકરી જીયા ઠાસરા શહેરથી લંડન જવા માટે આ વિમાનમાં બેઠા હતા. ઉપરાંત, વણસોલીનાં રૂૂદ્ર પટેલ પણ લંડન જવા માટે આ ફ્લાઇટમાં હતા. અરવલ્લી જિલ્લાનાં મોડાસાનાં ખંભીસરના જયશ્રી પટેલ અને ખાનજી પાર્કમાં રહેતી નુસરતજહા જેથરા પણ આ વિમાનમાં સવાર હતા. નુસરતજહાં એક મહિના પહેલા જ મોડાસા આવી હતી. મોડાસાનાં ખંભીસરનાં જયશ્રી પટેલનો એરપોર્ટ અંદર જતી વખતેનો પબાય બાયથ કરતો વીડિયો સામે આવ્યો છે.

દીકરાને મળવા જતા રાજપથ ક્લબના ડિરેક્ટર દિલીપ પટેલ અને તેમના પત્નીનું મોત


અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી છે તેમાં મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં આવેલ રાજપથ ક્લબના ડિરેક્ટર દિલીપ પટેલનું મોત થયું છે. સાથે જ તેમના પત્ની મીના પટેલ પણ તેમની સાથે હતા જેથી તેમનું મોત નિપજ્યું છે. બંને પતિ-પત્ની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. આ પ્લેનમાં 58 હજાર લિટર ઈંધણ હતું જેના કારણે પ્લેન ક્રેશ થતાં જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે મોટા ભાગના મુસાફરોનું આ દુર્ઘટનામાં કરુણ મોત નિપજ્યું છે.

ઈદ મનાવવા આવેલ પરિવાર ઉપરાંત સુરત જિલ્લાના આઠ લોકો ભોગ બન્યા


અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ સુરત જિલ્લાના 8 મુસાફરો પણ સામેલ છે. આ તમામ મુસાફરોના નામ સામે આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલ નામની યાદીમાં જણાવ્યા પ્રમાણે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કામરેજના ઉભેળમાં રહેતા વિભૂતિ અતુલકુમાર પટેલ (સીટ નંબર 181), અડાજણમાં રહેતા ડો. અમિતા શાહ (સીટ નંબર 202), તેમના પતિ ડો. હિતેશ શાહ (સીટ નંબર 203), કોસંબાના તરસાડી ગામમાં રહેતા અર્જુનસિંહ વાંસદીયા (સીટ નંબર 227), તેમના પત્ની દિવ્યાબેન (સીટ નંબર 226), રામપુરાની મના રેસિડન્સીમાં રહેતા અકીલ અબ્દુલ નાનાબાવા (સીટ નંબર 101), તેમના પત્ની હના અકીલ નાનાબાવા (સીટ નંબર 229) અને તેમની દીકરી સારા અકીલ નાનાબાવા (સીટ નંબર 102) મુસાફરી કરી રહ્યાં હતા.લંડનથી સુરતમાં ઈદની રજામાં મળવા આવેલા દંપતી અને તેમની દીકરી પણ સવાર હતા. રામપુરા વિસ્તારની મના રેસિડેન્સીમાં રહેતા અબ્દુલ્લા નાનાબાવાનો દીકરો અકીલ (32) વર્ષોથી લંડનમાં રહે છે. જે પત્ની હાના (31) અને દીકરી સારા સાથે ઈદની ઉજવણી કરવા માટે લંડન આવ્યો હતો. જે પ્લેન ક્રેશ થયું તેમાં જ અકીલ અને તેનો પરિવાર પણ હતો. આ બાબતની જાણ થતાં અકીલના માતા સુરતથી બાય રોડ અમદાવાદ જવા રવાના થઈ ગયા છે.

જૂનાગઢ કૃષિ યુનિ.ના પ્રોફેસર અને પત્ની પુત્રને મળે તે પહેલા કાળ ભેટયો


રવજીભાઈ અને શારદાબેન પોતાના દીકરા હેમલ ચોવટીયા (મોન્ટુ)ને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. મોન્ટુ લંડનમાં પોતાનું વસવાટ કરે છે, જ્યારે તેમના પુત્રી સિંગાપોરમાં રહે છે.
બંને સંતાનો વિદેશમાં હોવા છતાં રવજીભાઈ-શારદાબેન વર્ષમાં એક-બે વખત સંતાનોને મળવા જતા હતા. અગાઉ પણ તેઓ બે વાર લંડન જઈ આવ્યા હતા અને છ માસ સુધી ત્યાં રહ્યા હતા. આ વખતે પણ તેઓ પ્રેમ અને વત્સળતાની મુલાકાત માટે નીકળ્યા હતા, પણ તેમના જીવનની ત્રીજી વિદેશયાત્રા હવે અંતિમ સાબિત થઈ છે. રવજીભાઈ ચોવટીયા બાગાયત વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચુક્યા હતા. નિવૃત્તિ બાદ તેઓ એક સત્સંગી, સરળ અને નમ્ર જીવન જીવી રહ્યા હતા. સોસાયટીના તમામ સભ્યોમાં તેઓ એક કુટુંબની જેમ વર્તતા હતા. તેઓએ બધા સાથે હળીમળીને સંબંધો પાંગરી રાખ્યા હતા.

અમદાવાદ પ્લેન ક્રેશમાં ઉદયપુરના માર્બલ ઉદ્યોગપતિના પુત્ર-પુત્રીના મોત


અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાથી ઉદયપુર પણ હચમચી ગયું છે. વિમાનમાં ઉદયપુરના ચાર સ્થાનિક લોકો સવાર હતા. ઉદયપુરના માર્બલ ઉદ્યોગપતિ પિંકુ મોદીનો 24 વર્ષનો પુત્ર શુભ અને 22 વર્ષની પુત્રી શગુન મોદી પણ સવાર હતા. રુંદેડા ગામના વરદી ચંદ મેનારિયા અને પ્રકાશ મેનારિયા પણ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. અકસ્માતના સમાચાર મળતા જ પિંકુ મોદીનો પરિવાર અમદાવાદ જવા રવાના થઈ ગયો હતો. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા પછી, ઉદયપુર જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે અને મુસાફરોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.ઉદયપુર જિલ્લાના રૂૂંડેડા ગામના રહેવાસી વર્દી ચંદ મેનારિયા અને પ્રકાશ મેનારિયા પણ એ જ ફ્લાઇટમાં સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને લંડનમાં રસોઈયા તરીકે કામ કરે છે. તેઓ કામ માટે પરત ફરી રહ્યા હતા. મુસાફરોની યાદીમાં તેમના નામ 90 અને 91 નંબર પર નોંધાયેલા છે.અત્યાર સુધીમાં આ અકસ્માતમાં 170 લોકોના મોત થયા છે. નોંધનીય છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ અઈં171 ગુરુવારે બપોરે 1:40 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગઈ હતી, જે લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી જ હતી. વિમાનમાં ક્રૂ સહિત કુલ 242 લોકો સવાર હતા.

પિતા સાથેની સેલ્ફી ખૂશ્બુ માટે અંતિમ સેલ્ફી બની


અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI-171 માં અનેક લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. આ ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના અરબા ગામની રહેવાસી 21 વર્ષીય નવપરિણીત ખુશ્બુનું પણ મોત નીપજ્યું હતું.ખુશ્બુ તેના પિતા મદન સિંહ અને પિતરાઇ ભાઇ સાથે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી, જ્યાંથી તે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દ્વારા લંડન જવા રવાના થવાની હતી. પરંતુ ફ્લાઇટ ટેકઓફ થયાની થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ અને ખુશ્બુનું જીવન પણ તે જ ક્ષણે સમાપ્ત થઈ ગયું. ખુશ્બુના પિતાએ એરપોર્ટ પર પોતાની પુત્રીને વિદાય આપતી વખતે એક ભાવનાત્મક ફોટો પાડ્યો હતો અને વોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું હતું જેમા તેમણે લખ્યું હતું આર્શીવાદ ખુશ્બુ બેટા, ગોઈંગ ટુ લંડન. પુત્રીના ગયા પછી, પિતા અને પિતરાઇ ભાઇ ગામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતના સમાચાર સાંભળી તેઓ ભાંગી પડ્યા હતા.

વેરાવળના BSNLના પૂર્વ કર્મચારી પત્ની સાથે પુત્રને મળવા જતા કાળ ભેટ્યો

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વેરાવળનું દંપતી પણ સામેલ હોવાનું જાણવા મળેલ છે. બીએસએનએલ ના પૂર્વ કર્મચારી રાજુભાઈ અને પત્ની ભાવનાબેન લંડન સંતાનોને મળવા જતાં હતાં. અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટ દુર્ઘટના ગ્રસ્ત બની છે. જેમાં વેરાવળના એક દંપતી સવાર હોવાની માહિતી સામે આવી છે. વેરાવળના રાજુભાઈ જીમુલીયા અને તેમના પત્ની ભાવનાબેન પોતાના પુત્રને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. બીએસએનએલ ના પૂર્વ કર્મચારી રાજુભાઈ અને તેમના પત્ની દુર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. વિમાનમાં સવાર યાત્રીઓની જાહેર કરવામાં આવેલી યાદીમાં આ દંપતીનું નામ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર સામે આવતાં વેરાવળમાં તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકો અને પરિવારજનો દંપતીની સલામતી અંગે ચિંતિત છે.

ભાવનગરના સોની વેપારીની દીકરી, જમાઈ સહિત ત્રણના વિમાની દુર્ઘટનામાં મોત

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની હૃદયદ્રાવક ઘટનામાં ભાવનગરના સોની વેપારીના દીકરી, તેમના જમાઈ સહિત ત્રણ ના કરૂૂણ મોત થયા છે. આ હચમચાવનારી ઘટનાને જાણ થતાં ભાવનગરના જવેલર્સો અને સોની સમાજમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના બેથી અઢી મિનિટ જેટલા ટૂંકા સમયમાં જ વિમાન ક્રેશ થયું હતું.આ દુર્ઘટનામાં ભાવનગરના પ્રખ્યાત પ્રેમજી જવેલર્સના માલિક (ભાગીદાર) ભરતભાઈ વૃજલાલ લંગાળિયાના પુત્રી યોગાબેન સ્વપ્નિલભાઈ સોની, જમાઈ સ્વપ્નિલભાઈ સોની, યોગાબેનના જેઠાણી અલ્પાબેન નિશિતભાઈ સોની અને પરિવારની અન્ય એક વ્યક્તિ પણ મોતને ભેટયાંના દુ:ખદ સમાચાર મળ્યા છે. યોગાબેન અને તેમના પરિવાર સભ્યો અમદાવાદથી લંડન ફરવા માટે જઈ રહ્યા હતા. ભાવનગર શહેરના આતાભાઈ ચોક વિસ્તારમાં પિતાનું ઘર ધરાવતા યોગાબેનનો એક ભાઈ છે, જેઓ પણ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે. જ્યારે પિતા ભરતભાઈ સોનીનું એકાદ-બે વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયામાં હતા. ત્યારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

સ્વ.ભરતભાઈ નામાંકિત સોની વેપારી ઉપરાંત સેલ્સ ટેક્સ-ઈન્કમ ટેક્સના એડવોકેટ હતા. જયારે, યોગાબેનનો એક દિકરો વિદેશમાં અભ્યાસ કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.આ વિમાન દુર્ઘટનામાં સોની પરિવારના મૃત્યુની જાણ થતાં તેમના સગા-સબંધીઓ તાબડતોડ અમદાવાદ દોડી ગયા છે. યોગાબેનના અંદાજે 20 વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ તેઓ અમદાવાદ સ્થાયી થયા હતા જાણવા મળ્યું છે.

ત્રણ વર્ષ પહેલાં પ્લેન ક્રેશમાં પુત્રના મૃત્યુ બાદ જામનગરના માતા-પિતાએ જીવ ગુમાવ્યો

અમદાવાદમાં આજે બપોરે એક મુસાફરી વિમાન ઉડાન ભર્યાની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું .જેમાં મુસાફરી કરી રહેલા અનેક લોકો ના મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ વિમાનમાં મુસાફરી કરતું એક દંપતી આજે પરોઢિયે જ જામનગરથી રવાના થયું હતું અને લંડન પરત ફરતા સમયે એ વિમાનને અકસ્માત નડ્યો હતો.જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમા લંડન માં રહેતા પુત્રી નેહલબેન અને જમાઈ શૈલેષભાઈ પરમાર જામનગર આવ્યા હતા. અને આજે પરોઢિયે જ જામનગરથી નીકળ્યા હતા. અને અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ એ હવાઈ મુસાફરી બપોરે દોઢ વાગ્યે શરૂૂ કરી હતી. પરંતુ કમનસીબે થોડી મિનિટોમાં જ આ વિમાન ક્રેશ થયુ હતુ જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે શૈલેષભાઈ અને નેહલબેનને સંતાનમાં એક માત્ર પુત્ર હિત હતો. જે લંડનમાં વિમાન ઉડાડવાની તાલીમ લેતો હતો. ત્યારે આશરે ત્રણેક વર્ષ પહેલા સ્પેનમાં તેનું વિમાન ક્રેશ થયુ હતું. જેમાં હિતનું મૃત્યુ થયું હતું. એ સમયે હિતની ઉંમર 26 વર્ષની હતી. આમ હિતનું 26 વર્ષની ઉંમરે વિમાન ક્રેશ થતાં મૃત્યુ થયું જયારે આજે પણ વિમાન દુર્ઘટના થતા તેમાં હિતના માતા પિતા પણ મુસાફરી કરતા હતા.

ચાણસ્માની યુવતી, પાટણ અને પાલનપુરના દંપતીનું પણ મોત


અમદાવાદ વિમાન દુર્ધટનામાં ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામની યુવતીનું મોત નિપજ્યું છે. જૈમીનીબેન કુંજનભાઈ ચૌધરી નામની વિદ્યાર્થીનીનું વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. જૈમીનીના પરિવારજનો મૃતદેહની ઓળખ માટે અમદાવાદ પહોંચ્યા હતા. વિમાન દુર્ઘટનામાં પાટણના કુલ 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા.પાટણ તાલુકાના ચંદ્રામાણા ગામના બે પેસેન્જર પણ વિમાનમાં સવાર હતા. પટેલ કુબેરભાઈ ખેમચંદદાસ અને તેમના પત્નિ પટેલ બબીબેન કુબેરભાઈ પ્લનમાં હતા. જેઓનું દુ:ખદ અવસાન થયું છે. હાલ ચંદ્રુમાણા ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. દંપતીની ઓળક માટે પરિવાર હાલ અમદાવાદ પહોંચ્યો છે.પ્લેન દુર્ઘટનામાં પાલનપુરના બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પાલનપુરના લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર પ્લેનમાં સવાર હતા પાડોશીઓના જણાવ્યા પ્રમાણે પતિ-પત્નિ બંને આજે સવારે પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી લંડન જવાના હતા. પરિવારજનો તેમના મૃતદેહની ઓળખ વિધિ માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

અભિનેતા વિક્રાંત મેસીના કો-પાઇલટ ભાઇ પણ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા


અમદાવાદમાં ગુરુવારે 12 જૂનના રોજ બનેલી દુ:ખદ ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીના ભાઈનું નામ પણ સામેલ છે. અભિનેતા વિક્રાંત મેસીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આ ઘટના પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, આ અકસ્માતે મારું દિલ તોડી નાખ્યું છે. આજે અમદાવાદમાં થયેલા અકલ્પનીય રીતે દુ:ખદ હવાઈ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો માટે મારું હૃદય તૂટી ગયું છે. તેમણે આગળ લખ્યું કે, તે જાણીને ખૂબ જ દુ:ખ થયું કે મારા કાકા ક્લિફોર્ડ કુંડરે તેમના પુત્ર ક્લાઈવ કુંડરને ગુમાવ્યો, જે કમનસીબ તે ફ્લાઇટમાં કામ કરનાર પહેલા અધિકારી હતો. ભગવાન તમને, તમારા પરિવારને અને અસરગ્રસ્ત બધાને શક્તિ આપે. અભિનેતાનો ભાઇ વિમાનમાં કો-પાઇલોટ હતો.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક જ પરિવારના 5 સભ્યોના મોત


તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તે રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં રહેતા ડો. પ્રદીપ વ્યાસ, તેમની પત્ની ડો. કોમી વ્યાસ અને તેમના ત્રણ બાળકો પ્રદ્યુત જોશી, મીરાયા જોશી અને નકુલ જોશી બધા લંડન જવા માટે વિમાનમાં ચઢ્યા પછી ડો. પ્રદીપે તેમની પત્ની અને બાળકો સાથે આ સેલ્ફી લીધી. જે હવે તેમનો છેલ્લો સેલ્ફી બની ગયો છે. આ અકસ્માતમાં ડો. પ્રદીપ વ્યાસના પરિવારના પાંચેય સભ્યોનું દુ:ખદ મૃત્યુ થયું.ડો. કોમી વ્યાસ ઉદયપુરની પેસિફિક હોસ્પિટલમાં કામ કરતા હતા. જ્યારે તેમના પતિ ડો. પ્રદીપ જોશી લંડનમાં ડોક્ટર હતા. ડો. કોની થોડા દિવસ પહેલા ઉદયપુરમાં નોકરી છોડીને પોતાના પતિ સાથે લંડન શિફ્ટ થઈ ગયા હતા. ઉદયપુરના પેસિફિક હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે ડો. કોમી વ્યાસ એક મહિના પહેલા અહીંની નોકરી છોડી દીધી હતી. તે પોતાના પતિ સાથે રહેવા લંડન જઈ રહી હતી, તેથી તેમણે રાજીનામું આપ્યું હતું.

હું લંડન જઇ રહી છું, દીકરીના મેસેજ બાદ ક્રૂ મેમ્બર શાંત થઇ ગઇ


લંડન જઈ રહી છું, ફ્લાઇટ થોડીવારમાં ઉડાન ભરશે, આપણે કદાચ થોડા સમય માટે વાત નહીં કરી શકીએ મણિપુરના થૌબલ જિલ્લાના નંગથોઈ શર્માનો આ છેલ્લો સંદેશ હવે પરિવારના મોબાઇલમાં કાયમી મૌન બની ગયો છે. ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. 24 વર્ષીય નંગથોઈ શર્મા થૌબલ અવંગ લાઇકાઈની રહેવાસી હતી. તે છેલ્લા દોઢ વર્ષથી એર ઇન્ડિયામાં કેબિન ક્રૂ તરીકે કામ કરતી હતી. તે ત્રણ બહેનોમાં મધ્યમ હતી. ટેકઓફ પહેલાં, તેણે સવારે 11:38 વાગ્યે તેની મોટી બહેનને મેસેજ કર્યો: હતો કે હું લંડન જઈ રહી છું, ફ્લાઇટ થોડીવારમાં ઉડાન ભરશે, આપણે કદાચ થોડા સમય માટે વાત નહીં કરી શકીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement