રાજ્યમાં અત્યાર સુધીમાં 15 નાના-મોટા બ્રિજ ધરાશાયી, હજુ અનેક જર્જરીત હાલતમાં
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં રોડ અને રસ્તા સહિત બ્રિજની કામગીરી અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકને હજી બે દિવસ થયાં છે ત્યાં જ વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટ્યો છે. આવા અનેક બ્રિજ છે જે હાલમાં જર્જરિત હાલતમાં છે. આ તમામ બ્રિજના સમારકામની વાત ચાલી રહી છે ત્યાં જ ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં એવી અનેક બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે છે. છતાંય તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોરબીના ઝુલતા પુલ સહિત 15 નાના મોટા બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. વર્ષ 2023માં પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજ તૂટ્યો હતો. જેમાં સ્લેબ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતાં. અમદાવાદમાં વર્ષ 2021માં મમતપુરા બ્રિજનો એક સ્પાન તૂટ્યો હતો. 2024માં મોરબીના હળવદમાં નવા કોયબાથી જુના કોયબાને જોડતો બ્રિજ વરસાદમાં તૂટી ગયો હતો. 2020માં રાજકોટમા આજી ડેમ પાસે પુલ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત 2019માં રાજકોટના સટોડક ગામમાં પુલ તૂટ્યો હતો. 2020માં મહેસાણા બાયપાસ પણ તૂટ્યો હતો.ગુજરાતની સૌથી મોટી બ્રિજ દુર્ઘટનામાં મોરબીમાં મચ્છુ નદી પર તૈયાર કરવામાં આવેલો ઝુલતો પુલ 2022માં તૂટ્યો હતો. જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતાં. આ ઘટનામાં હજી પણ કાર્યવાહી ચાલી રહી છે. 2024માં મહેસાણામાં મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજનો એક ભાગ ધસી પડ્યો હતો. ચોટીલામાં હબિયાસર ગામ પાસેનો બ્રિજ 2024માં ધરાશાયી થયો હતો.
2023માં ખેડા જિલ્લાના પરીએજથી બામણ ગામને જોડતો બ્રિજ તૂટ્યો હતો. 2023માં જૂનાગઢના વંથલીમાં ધંધૂસરનો 45 વર્ષ જૂનો બ્રિજ તૂટ્યો હતો. 2022માં રાજકોટમાં માધાપર ચોકડી પાસે બ્રિજના પિયરનો ટોપ તૂટી પડ્યો હતો. સુરતની વાત કરીએ તો 2007માં ઉધના દરવાજા પાસેનો પુલ તૂટ્યો હતો. જ્યારે 2016માં પીપલોદ ફ્લાય ઓવર તૂટ્યો હતો. 2022ના વર્ષમાં જ રાજ્યમાં પુલ તૂટવાની સાત ઘટનાઓ થઈ હતી.