ભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન વરસી ગયેલા વ્યાપક વરસાદ વચ્ચે ભાણવડ તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ સતત ચારેક દિવસ વરસી ચૂક્યો છે. ત્યારે જુદા જુદા વિસ્તારોમાં સાપના દરમાં પાણી ભરાતા સાપ આશ્રય અને ખોરાક માટે રહેણાંક વિસ્તારમાં ચડી આવતા હોય છે. આવા સમયે લોકો ભયભીત બની જાય છે.
ત્યારે ભાણવડ પંથકમાં છેલ્લા આશરે દોઢ દાયકાથી સાપ બચાવ પ્રવૃતિમાં કાર્યરત રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કરતા અશોકભાઈ દ્વારા તુરંત સ્થળ પર પહોંચી જઈ, વિના મૂલ્યે સાપ રેસ્ક્યુ કરી અને તેને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા.
જેમાં છેલ્લા ત્રણ જ દિવસમાં ભાણવડ પંથકના જુદા જુદા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી કોબ્રા, ધામણ, રૂૂપસુંદરી, જળ સાપ, અને અજગર જેવી પ્રજાતિના ઝેરી અને બિનઝેરી કુલ મળી 17 જેટલા સાપોને અશોકભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બરડાના કુદરતી આવાસમાં મુક્ત કરાયા હતા. આ સ્થળ પર હાજર રહેલા લોકોને રેસ્ક્યુ બાદ જે-તે સરિસૃપ વિશે માહિતી પણ આપી અને સાપને મારવો નહીં માત્ર વન વિભાગ કે કોઈ રેસ્ક્યુઅરનો સંપર્ક કરી રેસ્ક્યુ કરાવવા અપીલ પણ કરાઈ હતી.આ સાપ બચાવની સેવા પ્રવૃતિમાં અશોકભાઈ ભટ્ટની સાથે મેરામણ ભરવાડ, વિજય ખૂંટી, દત્ત રબારી, દુદાભાઈ, વિશાલ અને અક્ષય પણ જોડાયા હતા.