હોટલમાંથી તસ્કરોએ મૂર્તિ ચોરી, હકાભા ગઢવીને જોઇ મુઠિયું વાળી
અમદાવાદના નાના ચિલોડા નજીક આવેલી એક હોટલમાં રાત્રિના સમયે ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરો હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને દેવ પગલીની જાગૃતતા અને હિંમત જોઈને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા હતા. બિલ્લીપગે હોટલમાં ચોરી માટે ઘૂસેલા તસ્કરો ગણપતિની મૂર્તિ લઈને ભાગી રહ્યા હતા ત્યારે જ જાગી ગયેલા હકાભા બહાર આવતા તસ્કરો મૂર્તિનો ઘા કરી ભાગી છૂટ્યા હતા. હકાભા ગઢવીએ મૂર્તિનો ઉઠાવી ફરી મૂળ જગ્યાએ સ્થાપિત કરી હતી.
સોશિયલ મીડિયામાં જે બે વીડિયો વાઈરલ થયા છે. તે અમદાવાદના નાના ચિલોડા પાસે આવેલી એક હોટલના છે. જેમાં 12 તારીખે રાત્રિના સમયે હકાભા ગઢવી અને દેવ પગલી રોકાયા હતા. રાત્રિના અરસામાં બે તસ્કરો ચોરી કરવાના ઈરાદે હોટલમાં ઘૂસ્યા હતા. હોટલમાં રાત્રિના સમયે તમામ સ્ટાફ ઊંઘી રહ્યો હતો. ત્યારે કંઈક અજુગત થતું હોવાની જાણ હકાભા ગઢવીને થતા તે પોતાના રૂૂમમાંથી બહાર નીકળ્યા હતા. જેના કારણે તસ્કરો તેને જોઈને મુઠ્ઠી વાળીને ભાગ્યા હતા.
હોટલમાં રહેતી ગણપતિની પંચઘાતુની મૂર્તિ ઉઠાવી તસ્કરો નાસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે જ જાગી ગયેલા હકાભા ગઢવી અને દેવ પગલીએ તસ્કરોને સામનો કર્યો હતો. તસ્કરો બંને કલાકારોને જોઈ ઘટનાસ્થળે મૂર્તિનો ઘા કરી ભાગી છૂટ્યા હતા. હકાભા ગઢવીએ ભગવાનની મૂર્તિ ઉપાડીને તેની મૂળ જગ્યાએ સ્થાપિત કરી હતી અને કહ્યું હતું કે, ગણપતિ દાદાએ મને જગાડી દીધો એટલે ચોરી થતા અટકી ગઈ.