રેલનગરમાં તસ્કરોનો તરખાટ : બે મકાનના તાળાં તોડી લાખોની ચોરી
મહિલા સફાઈ કામદાર પુત્રીના લગ્ન હોવાથી પરિવાર સાથે ગામડે ગયા હતાં : લગ્નમાં પહેરવના દાગીના ઘરે ભૂલી ગયા ને તસ્કરો 12 તોલા દાગીના ઉઠાવી ગયા
શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ રેલનગર વિસ્તારમાં બે મકાનના તાળા તોડી તસ્કરો લાખોના દાગીના અને રોકડ સહિતની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે. મહિલા સફાઈ કામદાર પુત્રીના લગ્ન હોવાથી પરિવાર સાથે ગામડે ગયા હતાં અને પ્રસંગમાં પહેરવાના દાગીના જ ઘરે ભુલાઈ જતાં તસ્કરો આ દાગીના ઉઠાવી ગયા હતાં. જ્યારે બાજુમાં આવેલા અન્ય મકાનમાં ઉપરના માળે સુતેલા માતા-પુત્રીને બહારથી તાળુ મારી રૂમમાં પુરી દઈ નીચેના રૂમમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે આવેલા અવધ પાર્ક શેરી નં.1માં બે મકાનોમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં અવધ પાર્ક બ્લોક નં.બી-23માં રહેતા રાજુભાઈ દુદાભાઈ વાઘેલા મુળ વિસાવદરનાં મોણપરી ગામના વતની હોય તેમની પુત્રીના લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે ગત તા.31ના રોજ મકાનને તાળા મારી મોણપરી ગામે ગયા હતાં. માંડવાના દિવસે તેઓને લગ્નમાં પહેરવાના દાગીના પત્ની પાસે માંગતાં તેઓ દાગીના ઘરે જ ભુલી ગયા હોવાની જાણ થઈ હતી. જો કે લગ્નમાં વ્યસ્ત હોવાથી તેઓ દાગીના લેવા ઘરે આવ્યા ન હતાં અને હજુ ગઈકાલે જ લગ્ન પ્રસંગ પુરો થયો હતો ત્યાં આજે સવારે પાડોશીએ ફોન કરી તેમના મકાનના તાળા તુટેલા હોવાની જાણ કરતાં તેઓ તાત્કાલીક રાજકોટ આવવા નીકળી ગયા હતાં. તસ્કરો તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલા ત્રણ ચેઈન, પાંચ વિટી અને ત્રણ સેટ મળી કુલ 12 તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં તેમના પત્ની કોર્પોરેશનમાં વોર્ડ નં.3માં સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે તેમની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.જ્યારે તસ્કરોએ અવધ પાર્ક શેરી નં.1માં અન્ય એક મકાનને પણ નિશાન બનાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતાં હંસાબેન વિક્રમભાઈ વાઘેલા ગત રાત્રે તેમની પુત્રી સાથે મકાનના ઉપરના માળે રૂમમાં સુતા હતાં. રાત્રિના સમયે તસ્કરોએ રૂમને બહારથી તાળુ મારી દઈ નીચેના માળે તેમના મકાનના તાળા તોડી કબાટમાંથી સોનાનો સેટ, કાનસર, બ્રેસ્લેટ, મોબાઈલ અને રોકડા રૂા.35000ની ચોરી કરી ગયા હતાં. તેઓ સવારે ઉઠયા ત્યારે બહારથી દરવાજો બંધ હોય જેથી પાડોશીને જાણ કરતાં દરવાજો તોડીને બહાર આવતાં ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે પોલીસે ચોરીની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી આઈવે પ્રોજેકટના સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.