જેતપુરમાં ડુંગળી-બટેટાના વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા, 7.80 લાખની મતાની ચોરી
પત્ની બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ હોય તેની સારવાર માટે હોસ્પિટલમાં રોકાયા હતાં, 15 તોલા દાગીના, 3.85 લાખની રોકડ ચોરાઈ
રાજકોટ જિલ્લામાં મિલ્કત વિરોધી બનાવો સતત વધી રહ્યાં છે ત્યારે જેતપુરમાં પત્નીને બિમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હોય જેની સારવારમાં રોકાયેલા ડુંગળી બટેટાના વેપારીના બંધ પડેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના મળી 7.80 લાખની માલમતા ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કર ગેંગનું પગેરૂ દબાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
જેતપુરના ઈન્દ્રેશ્ર્વર મંદિર પાસે આવેલ રાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ મહાવીર શોપીંગ સેન્ટરમાં મનીષકુમાર દલસુખભાઈ નામની પેઢી ધરાવતાં ડુંગળી બટેટાના હોલસેલ વેપારી જયદીપભાઈ દલસુખભાઈ કેશરીયા (ઉ.38) નામના લોહાણા વેપારીએ જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની પત્ની 18-7-2024થી બિમાર હોય જેતપુરના કણકીયા પ્લોટમાં આવેલ પરમેશ્ર્વર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી અને પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં રોકાયા હતાં. ગત તા.22-7-2024ના ફરિયાદી હોસ્પિટલમાં રોકાયા હતાં અને 23-7-2024નાં બપોરે પિતાજીના ઘરે જમીને પોતાના મકાને આંટો દેવા ગયા ત્યારે મકાનનો મેઈન દરવાજો તુટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તુટેલો જોવા મળ્યો હતો. જ્યારે રસોડાના દરવાજામાં બાખોરુ પાડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.
વેપારીના બંધ મકાનમાં ઘુસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી ધંધા વેપાર માટે રાખેલા 3.85 લાખની રોકડ, રૂા. 3.95 લાખની કિંમતના 15.8 તોલા સોનાના દાગીના મળી કુલ 7.80 લાખની માલમત્તા તસ્કરો ઉઠાવી ગયા હતાં. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.