સ્માર્ટ ખેલ; 118 કરોડના પ્લોટમાં ત્રણ વર્ષે ભેદી મુદત વધારો
- જમીનના ભાવ બમણા થઈ ગયા ત્યાં સુધી બિલ્ડરે નાણાં ભર્યા નહીં, હજુ 101 કરોડ ભરવામાં અચોક્કસ મુદતની લહાણી
- 30 દિવસમાં પૈસા ભરવાની મુદત બાદ કોર્ટમાં ભેદી કેસ ઊભો થયો અને મહાનગરપાલિકાએ મોકળા મને સમય વેડફ્યો
મહાનગરપાલિકાએ 2021માં ચાલાકી વાપરી એક કલાકમાં હરાજી કરીને મફતના ભાવમાં 118 કરોડમાં વેચેલા પ્લોટનું આજ સુધી ગુચવાયેલા કોકડામાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સ્માર્ટખેલ પાડી ખરીદનારને રકમ ચુકવવાનો અચોક્કસ મુદતનો સમય આપી 24 કલાકમાં જ ફરી વખત રાજકારણ રમી નાખતા કોર્પોરેશનને કરોડો રૂપિયાની નુક્શાની ભોગવવાનો વારો આવ્યો છે. અને કમિશનર વિભાગમાંથી સોદો રદ કરવાની દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવતા શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આજની સ્ટેન્ડિંગમાં નાનામવા ખાતેના પ્લોટનો સોદો રદ કરવાની દરખાસ્ત રજૂ થયેલ પરંતુ કમિટી દ્વારા જાણભેદુઓ જણાવતા હતા તેમ રમત રમીને નિયમોનો ઉલાળિયો કરી ખરીદનારને રૂા. 101 કરોડ જેવી માતબર રકમ ચુકવવા માટે સમય આપી ખેલ પાડી દીધો હતો. અને બચાવમાં કોર્ટકેસનું બહાનુંઆગળ ધરી ખરીદનારનો પક્ષ લઈ લાભ ખટાવી દેવાનું મોટુ કારસ્તાન કરી નાખવામાં આવ્યું હોય તેવું ચિત્ર આજે સ્પષ્ટ થયું હતું.
નાનામૌવા સર્કલ ઉપર આવેલ સોનાની લગડી જેવો 9438 ચો.મી.ના પ્લોટની તા. 25-3-21ના રોજ જાહેર હરરાજી કરી 118 કરોડમાં વેચાણ કરવામાં આવ્યું હતું. ખરીદનારે 16.81 કરોડ ચુકવ્યા બાદ આ જ સુધી બાકીની રકમ જમા ન કરાવતા મનપાએ અનેક વખત નોટીસો આપી છતાં જવાબ નહીં આપતા ગત માસે છેલ્લી નોટીસ આપી હતી છતાં ખરીદનારે રૂા. 101 કરોડ ન ચુકવતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે નિયમ મુજબ પ્લોટનો સોદો રદ કરી દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મુકવાનો આદેશ ટાઉન પ્લાનિંગ વિભાગને આપ્યો હતો. જેના કારણે ગઈકાલે કમિશનર વિભાગ દ્વારા પ્લોટનો સોદો રદ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરાયેલ પરંતુ આજરોજ રામવન ખાતે મળેલ સ્ટેન્ડિંંગ કમિટીની બેઠકમાં સોદો રદ કરવાના બદલે ખરીદનારને અચોક્કસ સમયની મુદત આપતા સૌકોઈને આશ્ર્ચર્ય થયું હતું. મુદત બાબતે કમિટીએ જણાવેલ કે, ખરીદનારે લેખીતમાં અરજી કરી કોર્ટકેસ હોવાથી અમે લોકોએ બાકીની રકમ ભરપાઈ કરી નથી આથી અમને એક મોકો આપવામાં આવે તેવી રજૂઆત કરેલ જેને વગર વિચાર્યે મંજુર કરવામાં આવી હતી.
આજની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં સૌથી અગત્યની દરખાસ્ત નાનામવા સર્કલના પ્લોટનો સોદો રદ કરવાની હતી અને આ દરખાસ્ત તરફ સૌની મીટ મંડાયેલ હતી ત્યારે જ કમિટીએ પ્લોટ ખરીદનારને ફરી વખત મુદત આપી હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, ખરીદનારે આજે લેખીતમાં રજૂઆત કરી જણાવેલ કે, પ્લોટની બાકીની રકમ જમા કરાવવાની હતી ત્યારે જ કોર્ટ મેટર થઈ જેના કારણે પૈસા ભરપાઈ થઈ શક્યા નથી. આથી અમને એક મોકો આપવામાં આવે અમે પુરેપુરી રકમ ભરપાઈ કર દેશું તેવી જ રીતે મહાનગરપાલિકાનો પણ નિયમ છે કે જે પ્લોટની હરરાજી કરવાની હોય તે પ્લોટ ચોખ્ખો હોવો જોઈએ આ જમીન ઉપર કોઈપણ જાતનો કોર્ટકેસ ચાલુ ન હોવો જોઈએ પરંતુ કોર્ટકેસ થવાના કારણે મહાનગરપાલિકાએ પણ નમતુ જોખી બાકીની રકમ ભરપાઈ કરવા માટે મુદત અ ાપી હતી આથી હવે છેલ્લો મોકો ખરીદનારને આપવો જોઈએ તેમ જણાવ્યું હતું. અને આજની સ્ટેન્ડિંગમાં ખરીદનારને આવતી સ્ટેન્ડિંગ સુધીમાં રકમ ભરપાઈ કરવાની સુચના આપી છે નહીંતર આગામી સ્ટેન્ડિંગમાં ફરી દરખાસ્ત રજૂ કરી પ્લોટનો સોદો રદ કરવામાં આવશે તેમ સુચિત કરવામાં આવ્યું છે.
પેટ્રોલપંપની જમીનના ભાવ વધ્યા તો આ પ્લોટના કેમ નહીં?
મહાનગરપાલિકાએ નાનામવા સર્કલનો પ્લોટ વેચ્યા બાદ 101 કરોડની ઉઘરાણીમાં અઢી વર્ષનો સમય વિતાવી દીધો હોય અને ફરી વખત ખરીદનારને બાકીની રકમ જમા કરાવવા માટે સમય આપ્યો છે. ત્યારે થોડા સમય પહેલા સ્ટેન્ડિીંગ કમિટીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમને વેસ્ટ ઝોનમાં રૂા. 61 હજારના ભાવથી જમીન આપવાની દરખાસ્ત થયેલ અને તે વખતે પણ આજ કમિટિએ આ દરખાસ્તનો વિરોધ કરી આ લોકેશન ઉપર હાલ એક લાખથી વધુ ભાવ ચાલી રહ્યો છે. તેમ જણાવી દરખાસ્ત પરત કરી હતી અને હાલના આ વિસ્તારના જમીનભાવ મુજબની દરખાસ્ત રજૂ કરવાની સુચના કમિશનર વિભાગને આપી હતી તો 2021માં હરાજી કરી જે ભાવમાં નાનામૌવા સર્કલની જમીન વેચવામાં આવેલ અને અઢી વર્ષ બાદ હવે આ જમીનની કિંમત બમણી થઈ ગયેલ હોવાનું જાણતા હોવા છતાં સ્ટેન્ડીંગ કમિટીએ ખરીદનારના 2021ના ભાવ મુજબની રકમ ચુકવવા સમય આપ્યો છે. પરંતુ પેટ્રોલપંપની માફક હાલના જમીનભાવ મુજબ રકમ ચુકવવી પડશે તેમ કહી દરખાસ્ત પરત કેમ ન કરી તે બાબતે પણ ભારે ચર્ચા જાગી છે.
પ્લોટ ચોખ્ખો જ હતો; કોર્ટ મેટર કરવાનો સમય અપાયો
મહાનગરપાલિકાએ 2021માં નાનામવા સર્કલ ખાતે હરાજીથી વેચાણ કરેલા 118 કરોડના પ્લોટની બાકી રહેતી 101 કરોડની ઉઘરાણી માટે અઢી વર્ષનો સમય વિતાવ્યો અને છેલ્લે પ્લોટનો સોદો રદ કરવાની દરખાસ્ત કમિશનરે કરવી પડી છતાં પણ સ્ટેન્ડિંગ કમિટીએ આજે પ્લોટખરીદનારને ફરી એક વખત મોકો આપી કોર્ટકેસનું બહાનું આગળ ધર્યુ છે. જેની સામે જાણકારોના મતે પ્લોટ ચોખ્ખો હોય તો જ હરાજી થઈ શકે છે તેવો રાજ્ય સરકારનો નિયમ છે અનેતેનું પાલન પણ કરવામાં આવ્યું હતું હરાજી સમયે પ્લોટચોખ્ખો હતો અને એક પણ કેસ આ જમીન ઉપરન હતો. ત્યાર બાદ હરાજીમાં ખરીદી કરનાર બિલ્ડરે 30 દિવસમાં પુરેપુરી રકમ મહાનગરપાલિકાને ચુકવવાની થતી હતી છતાં તે ચુકવી નહીં અને ત્રણ મહિના બાદ આ જમીન ઉપર કેસ દાખલ થયો ત્યારે મહાનગરપાલિકાએ 30 દિવસ બાદ પૈસાની ઉઘરાણી ન કરી ત્રણ માસનો સમય કોર્ટમેટર ઉભી કરવા માટે આપ્યો હોય તેવું ચીત્ર ઉપસ્યું હતું.
કોર્ટકેસ કરવાવાળા કોણ? તપાસ આજ સુધી બાકી
મનપાને કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર નાનામવા પ્લોટના ખરીદનારે ફરી એક વખત રાજકીય વગ હોય કે અન્ય કારણોસર આજની સ્ટેન્ડિંગમાં સોદો રદ કરવાની દરખાસ્ત પેન્ડીંગ રખાવી રકમ ભરપાઈ કરવાની મુદત મેળવી લીધી છે અને તંત્રએ પણ કોર્ટકેસનું ગાણુગાઈને ખરીદનારને અચોક્કસ સમયની મુદત આપી છે. ત્યારે પ્લોટનું વેચાણ થયા બાદ 30 દિવસમાં ખરીદનારે પૈસા ન ભર્યા અને ત્રણ માસ બાદ કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો. આ સમયે પણ ભારે હોબાળો બોલી ગયેલ અને જે વ્યક્તિએ જમીનની માલીકી દર્શાવવા માટે કેસ કરેલ તે વ્યક્તિ કરોડોની જમીનનો માલીક ન હોઈ શકે તેવી ભારે ચર્ચા જાગેલ છતાં કેસના બહાને ખરીદનારને રકમ ચુકવવાનો સમય મળી ગયેલ અને કોર્ટકેસ ફાઈનલ પણ થઈ ગયેલ છતાં તંત્ર દ્વારા 101 કરોડ રૂપિયા બે વર્ષ માટે અટકાવવામાં ભાગ ભજવનાર ઉભા થયેલા બોગસ જમીન માલીક પાછળ કોનું પીઠબળ કામ કરી ગયું હતું તેની આજ સુધી તપાસ ન કરી પ્રજાના કરોડો રૂપિયાનું પાણી કરી નાખ્યું છે.