મેટોડામાં મકાનમાં બ્લાસ્ટ થતા નિદ્રાધીન યુવાન દાઝયો: ઘરવખરી બળીને ખાખ
લોધીકા તાલુકાના મેટોડામાં રહેણાંક મકાનમાં મધરાત્રે અચાનક બ્લાસ્ટ થતા નિંદ્રાધીન યુવક દાઝી ગયો હતો ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અચાનક ભભૂકી ઉઠેલી આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ધારીના વતની અને હાલ લોધિકાના મેટોડા જીઆઇડીસી ગેટ નંબર એકમાં રહેતા ગૌતમ રવજીભાઈ દાફડા નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે સૂતો હતો ત્યારે મધરાત્રે અચાનક બ્લાસ્ટ થતા આગ ભભુકી ઉઠી હતી જેમાં નિંદ્રાધીન ગૌતમ દાફડા ગંભીર રીતે દાઝી ગયો હતો.
ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ગૌતમ દાફડા પત્ની, પુત્ર અને ભાઈ સાથે રૂૂમ રાખીને રહે છે. પત્ની વૈશાલીબેન અને પુત્ર ત્રણ દિવસથી ધારી લગ્ન પ્રસંગમાં ગયા છે અને રાત્રીના તેનો નાનો ભાઈ જીગ્નેશ દાફડા બહાર સૂતો હતો તેથી તેનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી આગનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.