For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૂર અને સંગીતના સંગાથે શબ્દોને મળ્યો સફળતાનો રંગ

11:15 AM Dec 25, 2024 IST | Bhumika
સૂર અને સંગીતના સંગાથે શબ્દોને મળ્યો સફળતાનો રંગ

કર નહીં તું કોઈ ચિંતા કામ તારું થઈ જશે....છે દશા સારી ગ્રહોની વર્ષ સારું થઈ જશે

Advertisement

મનહર ઉધાસે કોઈ કવયિત્રીની રચનાને પ્રથમ વખત સ્વર આપ્યો હોય તો તે છે અંજુમ આનંદ ઉર્ફે અંજનાબેન ગોસ્વામીની રચના

અંજનાબેન ગોસ્વામી કવયિત્રી, ગીતકાર, જર્નાલિસ્ટ, વકીલ તેમજ ફેશન ડિઝાઇનર હોવા ઉપરાંત માતા, પુત્રવધૂ, પત્નીની જવાબદારી સુપેરે નિભાવે છે

Advertisement

2019ની સાલમાં મનહર ઉધાસના ગઝલ સંગ્રહ ‘અફલાતૂન’નું ભાવનગરમાં લોન્ચિંગ હતું અને તેના પંદર દિવસ પહેલાં જ નજીકના સાહિત્ય સંગાથી દ્વારા જાણ થઈ કે મારી રચનાને મનહર ઉધાસનો સ્વર મળ્યો છે અને તેનો સમાવેશ આવનાર ગઝલ સંગ્રહમાં કરવામાં આવ્યો છે. મારા માટે આ જીવનની સૌથી મોટી અને આનંદની અમૂલ્ય ક્ષણ હતી કારણ કે હું મારા પતિ સાથે મનહર ઉધાસની ગઝલ સાંભળતા સાંભળતા ઘણી વખત ચર્ચા કરતી કે કાશ મારી ગઝલને પણ તેમનો સ્વર પ્રાપ્ત થાય. મારા એ વિચાર અને સ્વપ્નને તેમના સંગીત અને સૂરના આશીર્વાદ પ્રાપ્ત થાય તેનાથી વધુ રૂૂડું શું હોય?મનહર ઉધાસે કોઈ કવયિત્રીની રચનાને સ્વર આપ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે જે મારા જીવનની ક્યારેય ન ભુલાય તેવી ક્ષણ છે.’ આ શબ્દો છે ‘અંજુમ આનંદ’ના તખલ્લુસ નામથી સાહિત્ય ક્ષેત્રમાં નામના ધરાવતા અંજનાબેન ગોસ્વામીના. દીકરી મહેકનો મ અને પતિ ડો. આનંદના નામને પોતાના નામ સાથે જોડીને તેઓ અંજુમ આનંદના નામથી સાહિત્ય જગતમાં લોકપ્રિય છે.

હંમેશા સકારાત્મક ભાવવાળી રચનાઓ લખતા અંજનાબેન સાહિત્ય ગઝલ, ગીત અને વાર્તા લખે છે. ખાસ વાત એ છે કે તેઓની વધુમાં વધુ રચનાઓને સંગીતનો સાથ મળી આલ્બમનું સ્વરૂૂપ મળ્યું છે. નાના કલાકારથી લઈને ખૂબ જાણીતા કલાકારોએ તેમની રચનાને સ્વર આપ્યો છે. એક સમયે ખૂબ જ ધૂમ મચાવનાર શ્રી વલ્લીનું ગુજરાતી વર્ઝન બનાવવાનું શ્રેય અંજુબેનને જાય છે તેમજ મોરારિબાપુ વિશે લખેલી રચના તેમની ચેનલ ‘સંગીતની દુનિયા’માં સ્થાન પામી છે.

અંજનાબેનનો જન્મ ભરૂૂચ જિલ્લાના કરગટ ગામે થયો.પિતા મનહરગીરી ગોસ્વામી અને માતા શારદાબેન ગોસ્વામી.બે ભાઈઓ વચ્ચે એક બહેન અંજુબેન. તેમના પરિવારમાં સૌથી વધુ શિક્ષણ તેઓએ મેળવ્યું છે. દીકરીને વધુ ભણાવશો તો યોગ્ય પાત્ર માટે મુશ્કેલી પડશે એવી સ્વજનની વાતનો પિતાજીએ આપેલ જવાબ ‘ફેલ થશે તો આગળ નહીં ભણાવીએ’ અંજુબેન સાંભળી ગયા અને વધારે મહેનત અને લગનથી ભણવા લાગ્યા.તેઓએ બી.કોમ., એલએલબી કર્યું છે. અભ્યાસ સાથે શિક્ષિકા તરીકે નોકરી કરી,બેંકમાં નોકરી કરી. દિવસના 24 કલાકની એક એક ક્ષણનો તેઓ ઉપયોગ કરતા.સવારે ટિફિન લઈને કોલેજ જવું, બપોર થી સાંજ બેંકની નોકરી રાત્રે ઘરે આવી ફરી અભ્યાસ કરવો. આ દરમિયાન તેમની સાહિત્યની યાત્રા તો ચાલુ જ હતી. શાળા-કોલેજમાં હતા ત્યારે અજાણપણે જ લેખનના બીજ રોપાયા હતા તે વટવૃક્ષ બનીને નામના અપાવશે તેની કોઈને ક્યાં ખબર હતી?.નાનપણમાં પરિવારમાં આવેલ પત્રનો જવાબ લખવો કે પછી સહેલીઓની ડિમાન્ડ પર કંઈક લખી આપવાથી તેઓની કલમ સાથેની મિત્રતા શરૂૂ થઈ હતી.

બેંકમાં નોકરીના પાંચ વર્ષ બાદ ગારિયાધાર ખાતે ડો.આનંદ સાથે પરિવારના આશીર્વાદ સાથે લવ મેરેજ થયા.દરેક મહિલાની જેમ અંજનાબેનના જીવનમાં પણ લગ્ન પછી બદલાવ આવ્યો.સુરતથી ભાવનગર આવવાનું થયું.

સ્થળ બદલાતા માર્ગ બદલાયા અને પડકારોનો પણ સામનો કરવો પડ્યો. બાળકના આગમન અને પરિવારની કાળજી રાખવા અંજનાબેને નોકરી છોડી પરંતુ એ સમયે જ સાહિત્ય સાથેનો નાતો મજબૂત બન્યો.તેમની શબ્દ યાત્રામાં સોશિયલ મીડિયાના સહારે અનેક લોકો જોડાયા. તેમની જાણ બહાર જ તેમની રચનાને ચાહકોનો,ભાવકોનો સ્નેહ મળતો રહ્યો. પોતાના પરિવારને પ્રાધાન્ય આપવામાં માનતા અંજુબેન હંમેશા કંઈ ને કંઈ કરતા રહેતા અને એટલે જ સમય,સંજોગો બદલાતા ગયા તેમ તેમ અંજુબેનની પ્રવૃત્તિ પણ બદલાતી ગઈ. ફેશન ડિઝાઈનિંગ હોય,વકીલાત હોય કે લેખન હોય પોતાનું કામ નિષ્ઠાથી કરતા.

નાનપણમાં લાગેલો ગરબાનો શોખ હજુ પણ જીવંત છે એટલે નવરાત્રી પહેલા જ ગરબા શરુ થઈ જાય છે, ભાવનગરમાં ગરબા કોમ્પિટિશનના મોટા ભાગના કાર્યક્રમમાં જજ તરીકે તેઓ હોય છે. સાડી પહેરવાનો અનન્ય શોખ ધરાવતા અંજુબેન કવયિત્રી, ગીતકાર, ફીલિંગ્સ મેગેઝિનના સિનિયર જર્નાલિસ્ટ, વકીલ તેમજ ફેશન ડિઝાઇનર હોવા ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની લેડીઝ ક્લબના પ્રમુખ છે,બાર કાઉન્સિલ એસોસિએશનના સભ્ય છે, સિંગિંગ પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે તો ગણપતિ ઉત્સવમાં પોતાના ઘરે જ માટીના ગણપતિ બનાવીને સ્થાપિત કરે છે જેમાં અનેક લોકોની શ્રદ્ધા પણ જોડાય છે. બારમા ધોરણમાં ભણતી દીકરી મહેક અને ત્રીજા ધોરણમાં ભણતા દીકરા ક્રિસીવની માતા તરીકેની સુપેરે ફરજ બજાવતા અંજુબેન પોતાની સફળતાનું શ્રેય પતિ ડો. આનંદ ગોસ્વામી તેમજ સાસુ ઉષાબેન ગોસ્વામી તેમજ સસરા હર્ષદગીરી ગોસ્વામીને આપે છે.અત્યાર સુધી તેઓને જે કંઈ મળ્યું છે તે બાબત તેઓ ખૂબ જ સંતુષ્ટ છે છતાં હજુ પણ ઘણું કરવું છે. હજુ આઠ આલ્બમ આવવાના બાકી છે તેમજ ગુજરાતી ફિલ્મમાં તેમના ગીતો સ્થાન પામે તેવી તેમની ઈચ્છા છે અંજુબેન ગોસ્વામીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

હંમેશા હકારાત્મક રહો
મહિલાઓને સંદેશ આપતા અંજુબેને જણાવ્યું હતું કે, ‘જીવનમાં જે કંઈ થાય છે એ સારા માટે થતું હોય છે. મન મક્કમ રાખી જતું કરવાની ભાવના કેળવો તેમજ હંમેશા હકારાત્મક રહો. તકલીફ આપે તે વસ્તુને ભૂલતા શીખો અને તમારામાં રહેલી કોઈ આવડત કે શોખને જીવંત રાખો. પરિવારને પ્રાધાન્ય આપવા સાથે જાતનું પણ જતન કરો. સપના જુઓ અને તેને પૂરા કરવા પ્રયાસ કરો.

સાહિત્ય,સંગીત અને સફળતા
તેઓના 16 મ્યુઝિક આલ્બમ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.
તેમના ‘યાદ કર’ ગઝલ સંગ્રહને 2023માં ખૂબ જાણીતો અંજુ-નરશી નવોદિત સાહિત્ય સન્માન પુરસ્કાર મળ્યો છે.
અમેરિકાની હિમતમ કંપનીએ તેમની રચનાને સંગીત બધ્ધ કરી છે.
શિશુવિહાર બુધસભાની સંસ્થામાં સન્માન મળ્યું છે.
અમદાવાદ,ભાવનગર આકાશવાણીમાં કાવ્ય પઠન કર્યું છે.
વહાલનો દરિયોનું મેલ વર્ઝનની રચના પણ તેઓએ કરી છે. ઉપરાંત નારી ગરિમા એવોર્ડ મળ્યો છે.

Written By: Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement