સોની બજારમાંથી છ વેપારીનું બે કરોડનું સોનું લઈ વેપારી ફરાર
- મોડીરાત્રે વેપારીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ : મૂળ ભાવનગર અને હાલ લક્ષ્મીવાડીમાં રહેતા શખ્સની શોધખોળ
રાજકોટના સોની બજારમાંથી અવાર-નવાર કારીગરો લાખો રૂૂપિયાના સોના ચાંદીના દાગીના લઈ પોતાના વતન માં ફરાર થઇ ગયાના અનેક બનાવો પોલીસમાં ચડી ચુક્યા છે.એક ઝવેરી સોની બજારના છ સોની વેપારીના બે કરોડના સોનાના ત્રણ કિલોથી વધારેના દાગીના લઈ ભાગી જતા દોડધામ મચી ગઇ હતી.આ મામલે વેપારીઓ રાત્રે એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અરજી નોંધાવી હતી.
વધુ વિગતો મુજબ,લક્ષ્મીવાડી મેઈન રોડ પર હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.304 માં રહેતાં હિતેશભાઈ નારણભાઇ પારેખ (ઉ.વ.49) એ એ ડિવિઝન પોલીસ મથકમાં આપેલ અરજીમાં આરોપી તરીકે શૈલેષ હરગોવિંદ પાલા (રહે. લક્ષ્મીવાડી મેઈન રોડ સ્નેહ એપાર્ટમેન્ટ) નું નામ આપતાં એ ડીવીઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટ અને ટીમે અરજી ઉપર તપાસ આદરી હતી.
હિતેશભાઈએ અરજીમાં જણાવ્યું હતું કે,તેઓ હાથીખાનામાં મેઇન રોડ પર સીલ્વર માર્કેટ દુકાન નં.131 માં સોનાના દાગીનાનો વેપાર આશરે છેલ્લા 20 વર્ષથી કરે છે.તેઓની દુકાનની સામે શૈલેષ પાલાની દુકાન આવેલ છે અને તે સોનાના દાગીના ખરીદ વેચાણ કરે છે.બંને એક બીજાને બે ત્રણ મહીનાથી ઓળખે છે અને તેની સાથે અવાર-નવાર સોનાના દાગીનાનુ ખરીદ વેચાણ કરે છે.શૈલેષ પાલાને દસ-બાર દીવસ પહેલા કટકે-કટકે 550 ગ્રામ સોનાના તૈયાર દાગીના જેમાં કાનની બાલી તથા માળા વેચવા માટે આપેલ અને જેમાથી તેમને 150 ગ્રામ સોનુ ફાઇન પરત આપ્યું હતું.
તેમજ બાકી રહેલ 400 ગ્રામ સોનુ લેવા માટે તેઓ ગઈકાલે બપોરના તેઓની દુકાને ગયેલ ત્યારે તેઓએ સાંજના છએક વાગ્યાનો સમય આપ્યો જેથી હિતેશભાઈ તેમની દુકાને પરત આવી અને સાંજના છએક વાગ્યે શૈલેષ પાલાની દુકાને ગયા તો ત્યાં અન્ય પાંચ સોની વેપારી પણ હાજર હતાં. જેઓ પણ તેમને આપેલ સોનાના દાગીના પરત લેવા માટે આવ્યા હતાં.તેઓએ જણાવ્યું કે,શૈલેષ અમારી પાસેથી સોનાના દાગીના વેચાણ કરવા માટે લઇ ગયો છે અને સોનુ પરત લેવા આવતાં તે મળી આવેલ ન હતો.જેથી આરોપી શૈલેષ પાલા છ સોની વેપારીના સોનાના દાગીના આશરે 3 કિલોથી વધારે અંદાજીત બે કરોડના દાગીના લઈ ફરાર થઇ જતાં વેપારીઓ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી અરજી આપતા પીઆઈ આર.જી.બારોટ અને સ્ટાફે વધુ તપાસ આદરી છે.