રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂરપાટ ઝડપે દોડી, ફોર્મ વિતરણનું 98 ટકા કામ પૂર્ણ
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઈઆર લાગુ કરતા રાજ્યમાં બુથ લેવલ ઓફિસર એટલે કે, બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદારોની ચકાસણી કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જેને લઇ અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ 98 ટકા ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ફોર્મ વિતરણની 100 ટકા કામગીરી આવતીકાલ સુધીમાં પુરી થઇ જવાનો અંદાજ છે.રાજકોટ જિલ્લામાં 10 લાખ વોટરની મેપીંગની કામગીરી અગાવ જ પૂર્ણ થઇ ગઈ છે.તમામ કામગીરી આગામી 4 ડિસેમ્બરે પૂર્ણ થઇ જશે.
રાજકોટ શહેરમાં આ કામગીરી રેડઝોનમાં હતું. જેના પગલે જીલ્લા કલેકટર ઓમપ્રકાશ તમામ મામલતદારો, પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી આ કામગીરી ઝડપભેર થાય તે માટે તાકીદ કરી હતી.જો કે છેલ્લા બે દિવસમાં આ કામગીરીએ વેગ પકડ્યું છે અને 98 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે હવે ફક્ત 55 હજાર મતદારોને જ ફોર્મ વિતરણ બાકી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં કુલ 2256 બીએલઓ એસઆઇઆરની કામગીરી કરી રહ્યા છે તેમજ 233 જેટલા બીએલઓ સુપરવાઈઝરની પણ નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં એસઆઇઆરની કામગીરીએ વેગ પકડ્યો છે ત્યારે આગામી તારીખ 15-16 અને 22-23 ડિસેમ્બરે જિલ્લાના 2256 બુથ પર તમામ બીએલઓની ખાસ ઝુંબેશ ચાલશે જેમાં અત્યાર સુધીમાં જે પણ મતદારોને ફોર્મ નથી મળ્યા તેઓને સ્થળ પર જ ફોર્મ વિતરણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ મતદારોને મુંઝવતા પ્રશ્નોનું બીએલઓ પોતાના બુથ પર જ સમાધાન કરશે. ચાર દિવસની ખાસ ઝુંબેશમાં તમામ બીએલઓ બુથ પર બેસીને ફોર્મ વિતરણ સહિતની તમામ કામગીરી પુરી કરી દેશે.