સિંગતેલમાં ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા 80નો ઘટાડો
ચાલુ વર્ષે પડેલા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જોકે છેલ્લે પડેલા વરસાદને કારણે થોડોઘણો પાક બગડયો છે. બાકી ઓવરઓલ મગફળીની જોરદાર આવક થવાને કારણે હાલ સીંગતેલના ભાવો જે એકસમયે રોકેટગતિએ વધ્યા હતા તેમાં વળતા પાણી આવ્યા છે અને ભાવો ઘટી રહ્યા છે. ત્રણ દિવસમાં જ ડબ્બે રૂૂ.80નો ઘટાડો થયો છે.
દિવાળી બાદ સૌરાષ્ટ્રની મોટાભાગની ઓઈલમીલોમાં પીલાણ શરૂૂ થઈ ગયું છે અને માર્કેટયાર્ડોમાં પણ દરરોજ લાખો ગુણી મગફળીની આવક થઈ રહી છે.આવી સ્થિતિમાં ઓઈલમીલોને પૂરતા પ્રમાણમાં મગફળીનો જથ્થો મળી રહ્યો હોવાને કારણે પીલાણ પણ મોટીમાત્રામાં થઈ રહ્યું છે. બજારમાં નવા તેલની આવક થવાને કારણે ભાવો દબાયા છે. હજુ પણ સીંગતેલના ભાવમાં ઘટાડો આગામી દિવસોમાં થશે તે નકકી છે. આજે સીંગતેલના એક ડબ્બાનો ભાવ રૂૂ.2200 રહ્યો હતો હજુ પણ રૂૂ.100 નીકળવાનો અંદાજ માંડવામા આવી રહ્યો છે.
મગફળીની માફક કપાસની પણ બેસુમાર આવવક થઈ રહી છે તેને કારણે કપાસના તેલના ભાવમાં પણ ઘટાડોનો જોક જોવા મળી રહ્યો છે. બંને તેલોમાં ભાવ ઘટી રહ્યા છે છતાં પણ બજારમાં ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે. વેચવાલી છે જ નહીં.પહેલા લોકો બારેમાસના તેલના ડબ્બા લઈ રહ્યા હતા તેની સામે હાલ જોઈએ તેટલા પ્રમાણમાં લોકો તેલ ખરીદી રહ્યા છે. શાકભાજીના ભાવો આસમાને હોવાથી લોકો પણ શાકભાજીથી મ્હો ફેરવી રહ્યા છે અને શાકભાજીના સ્થાને કઠોળનો ઉપયોગ વધારે કરી રહ્યા છે અને તમામ પ્રકારના કઠોળના ભાવોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એકમાત્ર લસણના ભાવ ભડકે રહ્યા છે. સારી કવોલીટીનું લસણ હાલ રૂૂ.400 થી 450ના ભાવમાં બજારમાં વેચાઈ રહ્યું છે.