ગુજરાતભરમાં 30થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ
શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્યાતિભવ્ય આયોજન
રાજકોટ શહેરના ચાર ઝોન ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે
પારિવારિક અને સુરક્ષિત વાતાવરણમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું આયોજન રાજકોટ તા.22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વે સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ ચાર ઝોન ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોમાં નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. તા. 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ-ભાઈઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્યુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરાઈ છે.
રાજકોટ શહેરમાં નોર્ઝ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન ઉપરાંત રાજ્યભરમાં 30થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ, અમરેલી, દામનગર, ભાવનગર, ઉપલેટા, જેતપુર, ધોરાજી, ગોંડલ, જસદણ, સોમનાથ, જામનગર, ધ્રોલ, લતીપર, અંકલેશ્વર, પરસોડા સહિતના સ્થળે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ગરબે રમીને મા ખોડલની આરાધના કરશે.