ઇસ્ટઝોનમાં શ્રી બંગલો સોસાયટી 7 વર્ષથી રોડ વિહોણી
ટેકસમાં એ ગ્રેડનો એરિયા હોવા છતાં પાયાની સુવિધા ન મળતા સોસાયટીના 141 ધારકોની મેયરને રજૂઆત
શહેરમાં રોડ રસ્તા મુદ્દે છેલ્લા ઘણા સમયથી કકળાંટ ચાલી રહ્યો છે. ત્યારે ઇસ્ટ ઝોનમાં કુવાડવા રોડ ડિમાર્ટની પાછળ આવેલ શ્રી બંગલો સોસાયટીમાંથી પસાર થતો 40 ફૂટનો રસ્તો છેલ્લા સાત વર્ષથી ડામર રોડ ન બનતા સોસાયટીના 141 મકાન ધારકોએ આજે મેયરને ડહોળુ પાણી સહિતના મુદ્દે રજૂઆત કરી હતી.
કુવાડવા રોડ ઉપર ડિમાર્ટની પાછળ આવેલ શ્રી બંગલો સોસાયટીના રહીશોએ મેયરને રજૂઆત કરી જણાવેલ કે, આ સોસાયટીમાં 141 મકાનો આવેલા છે અને સોસાયટી મધ્યેથી 40 ફૂટનો રસ્તો પસાર થાય છે. તેમજ ટેકસ વિભાગ દ્વારા આ વિસ્તારને એ ગ્રેડમાં મૂકવામાં આવ્યો હોવાથી અન્ય વિસ્તારો કરતા હાઉસટેકસ પણ વધારે આવે છે.
છેલ્લા સાત વર્ષ દરમિયાન વોર્ડ ઓફિસ ખાતે 40 ફૂટનો રસ્તો પેવર રોડ બનાવવા અનેક રજૂઆતો કરી છતા આજ સુધી રોડ બન્યો નથી. તેવી જ રીતે આ સોસાયટીમાં લાંબા સમયથી ડહોળુ અને ઓછુ પાણી આપવામાં આવી રહ્યુ છે. છતા આ સોસાયટીના પાયાની જરૂરીયાતોના એક પણ પ્રશ્ર્ન હલ થયા નથી. કોર્પોરેટરો દ્વારા 40 ફૂટનો રોડ પેવર કરવા માટે પણ ખાતરી આપવામાં આવેલ છતાં અધિકારીઓ દ્વારા આ મુદ્દે પ્રાથમિક કામગીરી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન 40 ફૂટના રોડ કાદવ-કિંચડ રહેતા હોવાથી લોકોને ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે. તેવી રજૂઆત કરતા મેયરે સબંધીત અધિકારીઓને સૂચના આપી સતવધારે કામ કરવા જણાવ્યુ હતું.
