સતત ત્રીજા દિવસે ગિરનાર પરની દુકાનો બંધ, પ્રવાસીઓ પરેશાન
ગિરનાર પર સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયા બાદ પીવાના પાણીની બોટલ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂૂપે ગિરનાર પર્વત પરના વેપારીઓને વોટર-જગ આપવામાં આવ્યા છે, પરંતુ અહીં આવતા પ્રવાસીઓ વોટર-જગમાંથી લૂઝ પાણી પીવા તૈયાર ન હોવાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે. પાણીને લઈ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે એવી માગ સાથે ગિરનાર પર્વત પર દુકાનો ધરાવતા વેપારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઊતરી ગયા છે. દુકાનો બંધ રહેતાં પર્વત પર આવી રહેલા પ્રવાસીઓ પરેશાન જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં શિવરાત્રિ આવી રહી હોઈ, તંત્ર આ સમસ્યાનો હલ કાઢે એવી વેપારીઓ અને પ્રવાસીઓ માગ કરી હતી. ગિરનાર પરના વેપારી નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તંત્રને હંમેશાં વેપારીઓ દ્વારા સાથસહકાર આપવામાં આવ્યો છે, પરંતુ હાલમાં શિવરાત્રિના સમયમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવવાના છે ત્યારે છ મહિનાથી તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર પાણીની બોટલ બંધ કરી દેવામાં આવી છે અને યાત્રિકોને છૂટું પાણી વહેંચવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ ગુજરાત બહારથી આવતા યાત્રિકો સાદું પાણી પીવા માટેની મનાઈ કરી રહ્યા છે. તંત્ર દ્વારા 5,000 લિટરના ટાંકા અહીં ચઢાવવામાં આવ્યા છે, પરંતુ એ પાણીથી ભરવામાં આવતા નથી. ગિરનાર પર્વત પરના વેપારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે.
ગિરનાર પર્વત પરના વેપારીઓએ છેલ્લા ત્રણ દિવસથી દુકાનો બંધ રાખી છે. એ બાબતથી અહીં આવતા પ્રવાસીઓ અજાણ હોય, પરેશાન જોવા મળ્યા હતા. પ્રવાસીઓએ સાથે વજન લઈને ઉપર જવું ન પડે એ માટે પર્વત પર જ પાણી અને નાસ્તો ખરીદીને લેતા હોય છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી અહીં આવતા પ્રવાસીઓને દુકાનો બંધ હોવાના કારણે પીવાનું પાણી કે નાસ્તો નથી મળતો. પ્રવાસીઓએ કહ્યું કે સરકારે આ બાબતનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ. પાણીની સાથે પર્વત પર વોશરૂૂમની પણ વ્યવસ્થા કરવી જોઈએ.
જૂનાગઢ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકને લઈ થોડા સમય પહેલાં જ જાગ્રત નાગરિક દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી, જેને લઇ હાઇકોર્ટે ગિરનાર પર્વત પર થતાં પ્રદૂષણ મામલે વહીવટી તંત્રને યોગ્ય નિરાકરણ લાવવા હુકમ કર્યો હતો તેમજ હાઇકોર્ટ દ્વારા પ્લાસ્ટિક મુદ્દે સમિતિની પણ રચના કરવામાં આવી હતી. ત્યારે દોઢ મહિના પહેલાં વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર પ્લાસ્ટિકની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વેપારીઓ પાણી વેચી શકે અને પ્રવાસીઓને પાણી મળી રહે એ માટે તંત્ર દ્વારા વેપારીઓને વોટર-જગ આપવામાં આવ્યા હતા.