શોપિંગ ફેસ્ટિવલનો રમેશભાઇ ટીલાળાના હસ્તે શુભારંભ
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત મનપા દ્વારા રેસકોર્સ ખાતે પાંચ દિવસીય આયોજન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.10-10-2025 થી તા.15-10-2025 સુધી યોજીત સ્વદેશી મેળા-2025શોપિંગ ફેસ્ટીવલનો માન. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે શુભારંભ કરાયો દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા, એક જીલ્લો - એક ઉત્પાદનથ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકર કરવા અને ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વિઝન સાકાર કરવા માટે સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેર ગૃહ નિર્માણ વિભાગની અધિસૂચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત તા.10-10-2025 થી તા.15-10-2025 દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સ્વદેશી મેળો-2025-શોપિંગ ફેસ્ટીવલનો શુભારંભ તા.10-10-2025ને શુક્રવારે, સમય સાંજે 05:30 કલાકે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા,રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, કોર્પોરેટરઓ, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મહેશભાઈ જાની અને ચેતન નંદાણી, સંગઠનના હોદેદારો, અધિકારી-કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ અવસરે ઉદઘાટક ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન વિકસિત ભારતને સાકાર કરવા માટે સ્વદેશીનો મંત્રી ખુબ જ આવશ્યક છે અને આ માટે આપણે સૌએ સ્વદેશીની દિશામાં આગળ ધપવું પડશે અને આ અનુસંધાનમાં જ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે હું રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવું છું.
આ આયોજન એટલા માટે પણ મહત્વનું છે કે, તેના માધ્યમથી દેશી ઉત્પાદકો, કારખાનેદારો, વેપારીઓ વગેરેને પ્રોત્સાહન મળે છે. સાથોસાથ મેઇક ઇન ઇન્ડિયાના ક્ધસેપ્ટને પણ બળ મળી રહે છે. સ્વદેશી મેળા-2025 શોપિંગ ફેસ્ટીવલ રાજકોટ શહેરના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક ઉદ્યોગોની ઝાંખી કરાવવાનો અનોખો પ્રયત્ન છે. આ સ્વદેશી મેળામાં 130 સ્વદેશી વસ્તુઓના સ્ટોલ્સ અને 18 ફૂડ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. રેસકોર્સ ખાતે યોજાયેલ સ્વદેશી મેળાનો ટાઇમ સવારના 10થી રાત્રીના 10 સુધીનો રહેશે.