તાલાલાના ખીરધારના ખેડૂતનો મગરે ફાડી ખાધેલો મૃતદેહ મળી આવતા ચકચાર
તાલાલા તાલુકાનાં ખીરધાર ગીર ગામના ખેડૂત શનિવારે સવારે ઘરેથી પોતાના ખેતરે જવા માટે નીકળ્યા બાદ પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા બીજા દિવસે ગામની સીમમાં આવેલ આંબાકુઇ નદીમાંથી મગરે ફાડી ખાધેલ હાલતમાં અર્ધ મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે તાલાલા તાલુકાના ખીરધાર ગીર ગામના ખેડૂત મેરામણભાઇ ગોવિંદભાઇ માલમ બે દિવસ પહેલા ઘરેથી ખેતરે જવા માટે નીકળ્યા હતા. તેઓ બપોર સુધીમાં ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ શરૂૂ કરી હતી. આ દરમિયાન ગામની સીમમાં સુરજ વેકરી વાડી વિસ્તાર પાસેથી પસાર થતી આંબાકુઇ નદી પાસેથી મેરામણભાઇની લાકડી મળી આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ફાયર બ્રિગેડની ટીમને કામે લગાડતા નદીના પાણીમાંથી મેરામણભાઇની કોહવાઇ ગયેલ અને મગરે ફાડી ખાધેલ હાલતમાં અર્ધ મૃતદેહ મળી આવ્યો હતો. તાલાલા પોલીસે મૃતદેહને પીએમ માટે તાલાલા સરકારી હોસ્પિટલ લાવેલ જ્યાં ફરજ પરના તબીબે મગરના હુમલાથી મૃતક ખેડૂતનું મૃત્યુ થયાનું જણાવ્યું હતું.
વધુ તપાસ માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ કરાવવું જરૂૂરી હોવાથી ડેડબોડી જામનગર રીફર કરી હતી. ખેડૂત પેરાલિસિસની તકલીફ ધરાવતા હતા. લાકડીના ટેકે ચાલતા તેની લાકડી નદીના કાંઠેથી મળી આવતા આકસ્મિક રીતે નદીમાં પડી ગયા હતા કે નદીમાં રહેલી મગરોએ ખેંચી લીધા હતા તે ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ ફલિત થશે.