કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
કોડીનાર શહેર સહિત નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા
ગીર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા ખાતે શીંગવડા નદી પર આવેલા આ ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે, જેના કારણે પ્રતિ સેક્ધડ 542 ક્યુસેક પાણીનો પ્રવાહ શીંગવડા નદીમાં વહી રહ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કોડીનાર શહેર સહિત નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને લોકોને નદી કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે.
જુલાઈ માસનું રૂૂલ લેવલ જાળવવા પાણી છોડાયું. ગીર જંગલ વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શિંગોડા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જુલાઈ માસનું રૂૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો ખોલીને જેટલી પાણીની આવક છે તેટલી જ જાવક રાખવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ગણાતો આ ડેમ ગીર જંગલ મધ્યે આવેલો છે અને તેમાં 150 જેટલા ઝરણાં અને વોકળાનું પાણી આવે છે, ઉપરાંત શીંગવડા નદીનું વિપુલ માત્રામાં પાણી પણ મળે છે. સીઝનના પ્રથમ વરસાદથી જ ડેમમાં આખા વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયું છે, જેનાથી કોડીનાર શહેર અને તાલુકાના 19 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને 12 ગામોને સિંચાઈ માટે પાણી મળે છે.
ડેમ ની કુલ સપાટી 18.80 મીટર (61.68 ફુટ) છે જે પૈકી 17.45 મીટર ( 57.25 ફૂટ) ભરતા ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. જોકે, બીજી તરફ સતત પાણીની આવક અને ડેમ ના દરવાજા ખુલ્લા રખાતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. ગીરમાં વરસાદની સ્થિતિ જોતા હજુ કેટલો સમય દરવાજા ખુલ્લા રાખવા પડશે તે કહી શકાય તેમ નથી. શિંગોડા ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને સિંચાઈ વિભાગનો સ્ટાફ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદથી ગીરનો સમગ્ર પંથક હરિયાળો બન્યો છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આનંદનો વિષય છે.