શામળ પટેલની અમૂલ તરફ આગેકૂચ, સાબર ડેરીની ચૂંટણીમાં બિનહરીફ જાહેર
સાબરડેરીની સામાન્ય ચૂંટણીને લઈ સહકારી રાજકારણનો માહોલ ગરમ બન્યો છે. આ દરમિયાન સાબરડેરીના ચેરમેન શામળ પટેલ બિનહરીફ જાહેર થયા છે. શામળ પટેલની ઉમેદવારી સામે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઇ તેમની ઉમેદવારી પર રાજ્યના સહકારી રાજકારણીઓની નજર ઠરી હતી. આ દરમિયાન હવે આખરી ઉમેદવાર યાદી પ્રસિદ્ધ થતા શામળ પટેલને મોટી રાહત સર્જાઈ હતી.
શામળ પટેલને બાયડની બેઠક પરથી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આમ તેઓ સાબરડેરીના ડિરેક્ટર પદે ચૂંટાઇ આવ્યા છે. શામળ પટેલ બાયડ-1 બેઠક પરથી સાબરડેરીની ચૂંટણીમાં ઉમેદવાર બન્યા હતા.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ માટે અમૂલની સત્તા ટકાવી રાખવા માટે સાબરડેરીની સત્તા જાળવી રાખવી સૌથી જરુરી છે. તેઓ સાબરડેરીની ચૂંટણીમાં ડિરેક્ટર પદે ચૂંટાઇ આવે એ જરુરી છે. આ દરમિયાન હવે શામળ પટેલ બિન હરીફ થવાને લઈ તેમને મોટી રાહત છે.
સાબરડેરીમાં 16 બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. આ દરમિયાન 2 ઝોનની બેઠકો બિનહરીફ થઇ છે. જ્યારે મેઘરજ બેઠક પરથી જ્યંતી ભીખાભાઇ પટેલ બિનહરીફ જાહેર થયા છે. આમ હવે 14 બેઠકો માટે 76 ઉમેદવારો મેદાને છે. જોકે ઉમેદવારી પત્ર ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
અમૂલમાં સત્તાને ટકાવી રાખવા માટે શામળ પટેલે પ્રથમ અને મહત્વનો કોઠો ચૂંટણીમાં પાર પાડી દીધો છે. જોકે હવે આગળ વધુ બે કોઠા પાર કરવા જરુરી છે. જેમાં તેઓના સમર્થનમાં રહેનારા ડિરેક્ટરો ચૂંટણીમાં વિજયી થવા જરુરી છે, તેઓના સમર્થક ડિરેક્ટરો વિજયી થતા તેઓ સાબરડેરીના ચેરમેન પદે ફરીથી ચૂંટાઇ આવવા જરુરી છે.