અમદાવાદમાં પાન મસાલા- તમાકુના ડીલરો પર SGST ત્રાટકી, 9.22 કરોડની કરચોરી ઝડપાઇ
10 સ્થળોએ દરોડા બાદ હજુ રેડ યથાવત, વેપારીઓમાં ફફડાટ
રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ ઉપર એસજીએસટી વિભાગ બાજ નજર રાખીને બેઠું છે અને કરચોરી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ 10 સ્થળોએ એસજીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. પાન મસાલા, તમાકુના ડીલરો પર એસજીએસટી વિભાગે દરોડા પાડ્યા છે.
એસજીએસટી વિભાગે ચાંગોદર, એસ.જી. હાઈવે સહિત શહેરના અલગ અલગ 10 સ્થળોએ દરોડા પાડ્યા છે અને એસજીએસટી વિભાગના આ દરોડામાં રૂૂપિયા 9.22 કરોડની કરચોરી મળી આવી છે. તપાસ દરમિયાન કરોડો રૂૂપિયાના બિનહિસાબી રોકડના પણ વ્યવહારો દ્વારા વેચાણ મળી આવ્યા છે. હાલમાં પણ એસજીએસટી વિભાગ દ્વારા રેડ યથાવત છે અને તમામ જગ્યાઓ પર અલગ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે 27 ડિસેમ્બર 2024એ અમદાવાદમાં દોસાણી હેલ્થકેર ઈમ્પેક્સ પર ઈન્કમટેક્સ વિભાગે રેડ પાડી હતી અને ઈન્કમટેક્સના દરોડામાં કરોડો રૂૂપિયાની કરચોરી સામે આવી હતી. સરખેજની નવજીવન હોટલ પાસે સહારા કોમ્પ્લેક્ષમાં રેડ કરી હતી અને દોસાણી હેલ્થકેર ઈમ્પેક્સના ડિરેક્ટરોને ત્યાં રેડ પાડવામાં આવી હતી. ડિરેકટરોની ઓફિસ, રહેઠાણ સહિત કુલ 5 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. મોહમ્મદ કોમ્યાલ, મોહમદ દોસાણી,અલીહસન અને જોહેબ દોસાણી સહિતના ડિરેકટરોને ત્યાં રેડ કરવામાં આવી હતી. આ કંપની કોલસાના ટ્રેડિંગ, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોડકટનો બિઝનેસ કરે છે.આ પહેલા પણ 14 ડિસેમ્બરે રાજ્યના 43 વેપારીઓ પર એસજીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. વેડીંગ ગારમેન્ટસના 43 વેપારીઓ પર એસજીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. વસ્ત્રો ભાડે આપવાના વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
અંદાજીત 6.70 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ હતી અને રાજ્યના 9 શહેરના વેપારીઓના ત્યાં સર્ચ કરતા બિનહિસાબી વેચાણની ગેરરીતિ પકડાઈ હતી. વેરાની ઓછી જવાબદારી દર્શાવવાની ગેરરીતિ પકડાઈ હતી. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, મહેસાણા, આણંદ, નડિયાદ અને અમરેલીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.