For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોગસ બિલિંગ સંદર્ભે SGSTની કાર્યવાહી: 2 પેઢીના માલિકની ધરપકડ

12:27 PM Feb 14, 2024 IST | Bhumika
બોગસ બિલિંગ સંદર્ભે sgstની કાર્યવાહી  2 પેઢીના માલિકની ધરપકડ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી થતી કરચોરીના કેસો શોધી કાઢી તે પરત્વે અન્વેષણાત્મક કાર્યવાહીની ઝુંબેશ હાલમાં ચાલી રહેલ છે. ગુજરાત રાજ્ય તથા ગુજરાત રાજય બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરાશાખ મજરે મેળવી ખુબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારને મોટી રકમનું નાણાકીય નુકશાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઉંડાણપૂર્વકના સંશોધન અને વિગતોના આધારે તપાસો હાથ ધરી ઘણી પેઢીઓ શોધી કાઢવામાં આવેલ છે. આવી પેઢીઓ ઓપરેટ કરતાં ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગના માધ્યમથી ખોટી વેરાશાખનો દાવો કરતાં હોય તેવા જામનગર ખાતેના બ્રાસની કોમોડિટી સાથે સંકળાયેલા બે એકમો પર સર્ચ અને સિઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ એકમો દ્વારા બોગસ પેઢીઓ પાસેથી ખરીદીઓ દર્શાવી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરા સામે વેરાશાખ મજરે મેળવી ખુબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની આવકને મોટા પ્રામાણમાં નાણાકીય નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. આ બે એકમો દ્વારા બોગસ બિલો આધારિત રૂૂ. 78.50 કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. 14.12 કરોડની ન મળવાપાત્ર હોય તેવી વેરાશાખ ભોગવેલ છે.

ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ-132(1)(સી) હેઠળ ગુનો બનતો હોય વિભાગ દ્વારા બે કેસોમાં આ પેઢીઓના માલિકોની સ્પષ્ટ સંડોવણી જણાતા શ્રી લીબર્ટ્રી પ્રોડક્ટ્સ પ્લોટ નં.464/29 જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક સ્મિત દિપેન શાહની ધરપકડ તા.02/02/2024ના રોજ કરવામાં આવેલ. વોલ્ટ મેટલ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.464/29/30/31 જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક દિપેન ચંપકલાલ શાહ સ્થળ તપાસ દરમિયાન મળી આવેલ નહિ જેથી તેમની ખાનગી રાહે રેકી કરવામાં આવેલ અને બાતમીના આધારે તા.12/02/2024ના રોજ તેઓની જામનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ બન્ને સખ્શો નામ. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં જામનગર ખાતે રજુ કરવામાં આવેલ જે અન્વયે આરોપી સ્મિત દિપેન શાહના નામ. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કરેલ હતા. તેમજ તા. 13/02/2024ના રોજ આરોપી દિપેન ચંપકલાલ શાહને જામનગર કોર્ટમાં રજુ કરવામાં આવેલ, ગુન્હાની વધુ તપાસ સબબ રીમાન્ડ મેળવવાની કાર્યવાહી કરતાં તા. 15/02/2024 સુધીના નામ. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે રીમાન્ડ મંજુર કર્યા છે . આમ, બોગસ બિલ મેળવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડનારા ઇસમો સામે વિભાગ કડક હાથે કાર્યવાહી કરવા કટિબધ્ધ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement