ન્યાઝની પ્રસાદી લેવા ઉભેલા સાત લોકોને કારે ઉલાળ્યા
અકસ્માત સર્જી નાસવા જાય તે પહેલા જ લોકોએ કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો: બે બાળક સહિત ત્રણની હાલત ગંભીર
રાજકોટમાં કેશરી હિન્દ પુલ પર ગઈકાલે પુરપાટ ઝડપે આવેલી એક ઇકો કારે છબીલ પર ન્યાઝની પ્રસાદી લેવા ઉભેલા સાત લોકોને હડફેટે લીધા હતા.જેમાં બે બાળકો સહિત ત્રણ ને ગંભીર ઈજા થઈ હતી.ઈજાગ્રસ્તમાં બે બાળકો અને એક વૃદ્ધને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.ચાલક જાહિદ હનિફ શેખ (રહે. સદર બજાર, ફૂલછાબ ચોક, રાજકોટ ) સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.આ ઉપરાંત પીધેલાનો ગુનો દાખલ પણ કર્યો હતો.ઈજાગ્રસ્તોમાં ગફારભાઈ હાસમભાઈ ગોરી (ઉં.વ.60), નવાબ હુસેનભાઈ ચૌહાણ (ઉં. વ.9) અને બાળકી મન્નત ગુલામહૂસેન ઘોરી (ઉં. વ. 3)ને ગંભીર ઈજા હોય સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
નરસંગપરામાં રહેતા ઈજાગ્રસ્ત ગફારભાઈ હાસમભાઈ ગોરી(ઉ.વ.60)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, હું મારા પરિવાર સાથે રહું છું. ટેક્સી ડ્રાઈવિંગનું કામ કરું છું.ગઈકાલે રાત્રિના નવેક વાગ્યાની આસપાસ હું અમારા લતાની સામે મોસ્લી લાઈન કેસરી પુલ પાસે મહોરમ તાજીયા નિમિતે છબીલે ન્યાઝ રાખેલ હોય હું ઢોસાની પ્રસાદી લેવા માટે ગયેલ હતો.
ત્યાં હું લાઈનમાં ઉભો હતો ત્યારે એક ઇકો ચાલક પારેવડી ચોક તરફથી કાર ફુલ સ્પીડમાં ચલાવી આવેલ અને અમારી સાથે ટક્કર મારતા હું રોડ ઉપર પડી ગયેલ તથા બીજા પણ એક - બે બાળકો નીચે પડી ગયેલા અને ત્યાં હાજર છબીલ કમિટીના સભ્યોએ તે કાર ચાલકને પકડી લીધો હતો.કોઈકે 100 નંબર પર તથા કોઈકે 108 માં ફોન કરેલ હતો. મને પગમાં ખૂબ દુ:ખાવો થતો હતો તથા મેં જોયેલ તો એક છોકરાને હાથમાં તથા પેટના ભાગે વાગેલું જોયેલ હતું. મને ખુબ દુ:ખાવો થતો હોય મારો પુત્ર હુસેન ત્યાં આવી ગયો હતો.
108 એમ્બ્યુલન્સમાં મને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ આવેલ હતા. મારા જમણા પગે નળાના ભાગે, ઘૂંટણના ભાગે તથા સાથળના ભાગે ફેક્ચર થયેલ હોવાનું તથા ડાબા પગના સાથળના ભાગે ફેક્ચર થયેલ હોવાનું ડોક્ટર મારફતે જાણવા મળ્યું હતું.અકસ્માત કરનાર ઇકોના નંબર જીજે -03- ઇઆર -0058 છે. જે બાળકને ઈજા થયેલ છે તેનું નામ નવાબ હુસેન ચૌહાણ છે તેને પેટે તથા જમણા હાથે કોણીના ભાગે ઈજા થયેલ છે તે પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.