રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માતા-પિતા અને વડીલોની નિરપેક્ષ ભાવે સેવા કરવી: મોરારિબાપુ

05:24 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વૈશ્ર્વિક રામકથાના માધ્યમથી શહેરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થયો: સદ્ભાવનાના આ કાર્યમાં સેવાની માનવ સાંકળ રચાઇ

સેવાકાર્ય માટે રોજેરોજ દાતાઓ તરફથી મળતા અનુદાનની સાથોસાથ કથા સ્થળે ભજન ભોજનનો અનોખો સંગમ રચાયો: ચોથા દિવસે રામકથામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટયા

રાજકોટ : માનસ સદભાવના રામકથા માં આજે ચોથા દિવસે મોરારિ બાપુએ વૃધ્ધ અને વૃક્ષનો મહિમા ગાતા જણાવ્યું કે આપણે આંગણે વૃધ્ધ હોય અને વૃક્ષ હોય તો તે રત્ન છે. કારણકે હવે ’વૃધ્ધમ શરણં ગચ્છામિ, વૃક્ષ શરણં ગચ્છામિ’ કહેવું અનિવાર્ય બની ગયું છે, બાપુએ કહયું કે હું અહીં કશુ માંગવા કે લેવા નથી આવ્યો પણ વૃધ્ધો અને વૃક્ષોની સેવા કરો એવો સાદ દેવા આવ્યો છું.
મોરારિ બાપુએ કહયું કે હું પોથી લઈને આવ્યો છું અને પોથી લઈને જતો રહીશ, તમારી પાસે કશું જ માંગતો નથી, માગવાનો પણ નથી પરંતુ એવો સાદ દેવા આવ્યો છું કે તમે સૌ વૃધ્ધો અને વૃક્ષોની શક્ય તેટલી વધુ સેવા કરશો. તેમણે કહ્યું કે માતા-પિતા અને વડીલોની સેવા નિરપેક્ષ ભાવે કરવી જોઈએ. જો સ્વાર્થ રાખશું તો અશાંતિ થશે.

મોરારિ બાપુએ દરેક ઘરમાં રહેલા સાત રત્નોની સમજ આપતા જણાવ્યું કે દરેક ઘરમાં સાત રત્નો હોય છે,એમાં તેમણે સાત્વિક ભોજન, સાદા કપડા, વૃક્ષ તથા વૃધ્ધ, ઓજારો, સાત્વિક મનોરંજનના સાધનો, ઉત્સવો અને પુસ્તકોને સાત રત્નો ગણાવ્યા. એમણે કહયું કે વેદોમાં વૃક્ષો અને વૃધ્ધોને આંગણાના રત્નો ગણાવ્યા છે. આપણા આંગણે માતા-પિતા અને વડીલો હોય તે આપણા રત્નો છે, એવી જ રીતે બેચાર વૃક્ષો ઉભા હોય તે પણ આપણા રત્નો છે. માટે આ રત્નોની પુરેપુરી સેવા કરવી.
બાપુએ કૃષ્ણના એક કથનને યાદ કરતાં કહ્યું કે ધ્વારકાધીશે ’ મામેકં શરણં વ્રજ:’ એવું જણાવ્યું છે કે એનો અર્થ એ થાય કે વૃધ્ધના શરણે જાવ, તેમણે કૃષ્ણની વૃધ્ધાવસ્થાનો દાખલો આપતા જણાવ્યું કે કૃષ્ણની જયારે ઉમર થઈ ત્યારે તેમના પુત્રવધુ લક્ષ્મણાએ કેસરવાળા દુધનો વાટકો કૃષ્ણના હાથમાં આપ્યો ત્યારે હાથ ધ્રુજયો, લક્ષ્મણાની આંખમાં આંસુ આવી ગયા કે પોતાના પિતાસમાન સસરા હવે વૃધ્ધ થઈ ગયા છે. લક્ષ્મણાએ કૃષ્ણની ક્યારેય સેવા છોડી ન હતી.

મોરારીબાપુએ એમ પણ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ, તુલસીદાસજી મહારાજ, કબીરજી જેવા અનેક મહાપુરૂૂષો શતાયુ ભોગવી ચૂક્યા છે. આપણા પરિવારમાં પણ ઉમરલાયક લોકો હોય તો એનું સન્માન કરવું અને નિ:સ્વાર્થભાવે સેવા કરવી. મોરારિબાપુએ ’ બુધ્ધમ શરણં ગચ્છામિ’ જેવા પ્રચલિત કથનની સાથે આજે બીજા બે વાકયો આપ્યા જેમાં ’ વૃક્ષ શરણં ગચ્છામિ, વૃધ્ધમ શરણં ગચ્છામિ’ નો સમાવેશ થાય છે. તેમણે વૃક્ષ અને વૃધ્ધની આજીવન સેવા કરવા યુવાનોને ભલામણ કરી.

મોરારિબાપુએ યુવાનોને અપિલ કરતા કહ્યું કે ’જો યુવાનીમાં રામ ભજયા હશે તો જ અંત સમયે રામજીની કૃપા પ્રાપ્ત થશે. મોરારિ બાપુએ યુવાનોનો એવી પણ અપિલ કરી કે તમારી દિનચર્યા સાથે રાત્રિચર્યા સુધારશો. તેમણે કહયું કે પ્રહલાદે પિતાને, વિભીષણે ભાઈને, બલીરાજાએ ગુરૂૂને છોડયા હતા કારણ કે આ બધાએ રામને નિંદયા હતા. બાપુએ એમ પણ કહયું કે રામની પ્રતિક્ષા કરાય, તેમની પરિક્ષા ક્યારેય ન કરાય.

મોરારિબાપુએ હિમાલયને આંગણે જન્મેલી પાર્વતી વિશે વાત કરતાં કહ્યું કે તમારે આંગણે દિકરો જન્મે તો ઉત્સવ ઉજવજો પણ, જો દિકરી જન્મે તો સવાયો ઉત્સવ મનાવજો, કારણકે દિકરીના રૂૂપમાં તમારે ઘરે લક્ષ્મી, કિર્તી, વાણી, સરસ્વતી વગેરે પધાર્યા છે. એવું માનજો. સદભાવના વૃધ્ધાશ્રમની વૃક્ષો અને વૃધ્ધો માટેની આ રામકથામાં આજે પણ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. અને હજારો લોકોએ પ્રસાદ લીધો હતો.

રાજકોટના ઇતિહાસમાં રામમય સુવર્ણ પૃષ્ઠ ઉમેરાઇ રહ્યું છે. દરરોજ કથા મંડપમાં હજારો લોકો કથા શ્રવણ કરી રહ્યા છે. વિશેષ વ્યવસ્થાનો આગ્રહ ન રાખતાં, સૌ જ્યાં જગ્યા મળે ત્યાં સ્થાન લઈને નિમિત્ત આયોજકોને સ્વયંભૂ સહકાર આપી રહ્યા છે, તે ગૌરવની બાબત છે. કથા મંડપમાં ઉપસ્થિત લોકો ઉપરાંત દરરોજ 1.25 લાખ થી વધુ લોકો સોશિયલ મીડિયા લાઈવ દ્વારા કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. બાપુએ આજે વૃદ્ધમ શરણમ્ ગચ્છામિ અને વૃક્ષમ શરણમ્ ગચ્છામિ નો ત્રણ વાર સામૂહિક ઉદઘોષ કરાવ્યો હતો અને વૃક્ષ અને વૃદ્ધની સેવા કરવા માટે શપથ લેવડાવ્યા હતા.

સમાજમાં એવાં વૃધ્ધો પણ હોય છે કે જેને કોઇ સંતાનો જ ન હોય, સંતાનો હોય પણ પછીથી સંતાનવિહોણા થયાં હોય, સંતાનમાં ફક્ત દિકરીઓ જ હોય - આવાં બીજા પણ કારણો હોય જેના કારણે વૃધ્ધ લોકો એકલવાયુ જીવન જીવતા હોય. એના માટે પણ વૃધ્ધાશ્રમો હોય અને એ લોકો માટે આ વૃધ્ધાશ્રમો વરદાન સમાન હોય છે.

છોકરાઓને ફોન પકડાવતા નહીં: મોરારિબાપુ

મોરારિબાપુએ વેદમાં જણાવેલ સાત રત્નો આપણાં ઘરમાં જ હોવાનું જણાવી એક રત્ન મનોરંજનને પણ ગણાવ્યું હતું. ઘરમાં મનોરંજન હોવું જરૂૂરી છે પરંતુ એવું મનોરંજન ન હોવું જોઈએ જેનાથી મન ભ્રષ્ટ થાય, સનાતન ધર્મને નીચે જોવું પડે એવું પણ મનોરંજન ન હોવું જોઈએ. આ વાત સમજાવી મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી એવી અપીલ કરી હતી કે છોકરાઓને ફોન પકડાવતા નહીં.

રામકથામાં વી.વી.આઇ.પી પાસમાં ફકત એક જ વ્યકિતને એન્ટ્રી અપાશે

પ્રથમ ત્રણ દિવસ વૈશ્વિક રામકથામાં લોકોની જનમેદનીનો ખૂબ સારો પ્રતિભાવ રામકથાના શ્રવણ માટે મળ્યો છે. લોકો ધારણા બહાર કથા મંડપમાં કથા સાંભળવા ઉમટી પડ્યા હતા, એક રીતે જોવા જઈએ તો તે આનંદની વાત છે, કારણ કે વધુમાં વધુ લોકો રામકથા શ્રવણ માટે આતુર છે. સ્વાભાવિક છે કે નિમિત્ત આયોજકોની ભાવના એ જ હોય કે વધુમાં વધુ લોકો કથા શ્રવણ, ભક્તિનો, સેવાનો લાભ લે પરંતુ વ્યવસ્થાની સરળતા, લોકોની સુરક્ષા માટે તંત્રના સહકાર અને માર્ગદર્શનમાં હવેથી વી. વી. આઈ. પી પાસમાં તાત્કાલિક અસરથી ફક્ત એક જ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવશે. માતાઓ, બહેનોની સુરક્ષા અને કોઈ પણ પ્રકારની ધક્કા મુક્કી ન થાય, કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા બે દિવસ આ સંખ્યા ચાર વ્યક્તિ માટે હતી ત્યારબાદ બે વ્યક્તિ માટે કરવામાં આવી અને હવે ફક્ત એક જ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવશે.

રામકથાના ડુપ્લિકેટ પાસ સાથે પકડાયેલ પર થશે પોલીસ કાર્યવાહી

રામકથાના ડુપ્લિકેટ પાસ પકડાયે પોલીસ કાર્યવાહી થશે. અમુક કિસ્સામાં એવું કહેવામાં આવ્યું છે કે સદભાવના વૃદ્ધાશ્રમના રામકથા ખંડના અલગ અલગ પાસ પર બીજા અન્ય સ્ટીકર ચોંટાડીને તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. બે વ્યક્તિઓ આ અંગે ધ્યાનમાં પણ આવ્યા હતા જેમને કડક સૂચના આપવામાં આવી હતી. હવેથી આવું કોઈ પકડાય તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે એવું સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે. આ રામકથા સમગ્ર રાજકોટની છે. આવા એક્કલ દોકકલ વ્યક્તિ પકડાય તો સખત કાર્યવાહી કરવામાં આવશે. સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર સમગ્ર રાજકોટની જનતાનો સતત સહયોગ બદલ તેમની ચરણવંદના કરે છે, નમ્રતાભેર ઋણ સ્વીકાર કરે છે. આવો સહકાર સતત મળતો રહેશે તેવી શ્રદ્ધા પણ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા રાખવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsmorari bapurajkotrajkot news
Advertisement
Next Article
Advertisement