જૂનાગઢ કોર્પોરેશનના નવા સુકાનીઓની પસંદગી
મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર પદે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ ચેરમેન બનશે પલ્લવીબેન ઠાકર
જૂનાગઢ મહાનગરપાલિકામાં જ્વલંત વિજય મેળવ્યા બાદ આજે ભાજપ દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મેયર પદ માટે અનેક નામો રેસમાં હતા ત્યારે ભાજપ દ્વારા વોર્ડ-નંબર 4માંથી ચૂંટાયેલા ધર્મેશ પોશીયાની મેયર તરીકે વરણી કરી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ-9માંથી ચૂંટાયેલા આકાશ કટારાની પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત પલ્લવીબેન ઠાકરની સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે, મનન અભાણી શાસક પક્ષના નેતા તરીકે અને કલ્પેશ અજવાણીની દંડક તરીકે વરણી કરવામાં આવી છે.
જૂનાગઢના નવા મેયર ધર્મેશ પોશીયા વિશે જાણીએ તો તેઓ વર્ષોથી ભાજપના સક્રીય કાર્યકર્તા રહ્યા છે. તેમણે ભાજપ શહેર સંગઠનમાં પણ જવાબદારી નિભાવી છે. ઉપરાંત શ્રી ભોજલરામ ગ્રુપ, શ્રીજી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. તેઓ જૂનાગઢ શહેર યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે તેમણે ધો.12 સુધી અભ્યાસ કરેલો છે.
ડેપ્યુટી મેયર આકાશ કટારા પૂર્વ ડેપ્યુટી મેયર કરમણ કટારાના પુત્ર છે. આકાશ કટારાના પિતા 1994થી 2009 સુધી વોર્ડ-9માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તેમના કાકા એભા કટારા પણ 2010થી 2024 સુધી કોર્પોરેટ રહી ચૂક્યા છે. આકાશ કટારાએ ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે વિદ્યાર્થીકાળથી જોડાયેલા હતા અને વિવિધ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમણે 2019માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના પ્રભારી પણ રહી ચૂક્યા છે અને હાલ જામનગર મહાનગરના પ્રભારી તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. તેમના અભ્યાસ અંગે જાણીએ તો તેઓ કક.ઇ,, ઇ.જભ, (ઙવુતશભત) સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે.
જૂનાગઢ મનપામાં શાસક પક્ષના નેતા તરીકે વરણી પામેલા મનન અભાણી વોર્ડ-10ના કોર્પોરેટર છે. તેઓ 2013થી સક્રિય ભાજપના સક્રિય કાર્યકર્તા છે. તેઓ યુવા ભાજપ મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે અને જૂનાગઢ ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે. તેમણે સિવિલ એન્જિનિયરિંગ સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના પ્રમુખના નામની જાહેરાત
રાકેશ ત્રાબડીયા બન્યા વંથલી ન. પા. ના પ્રમુખ
જીતેન્દ્ર પનારા બન્યા માણાવદર ન. પા. ના પ્રમુખ
સુનિલ જેઠવાણી બન્યા બાટવા ન. પા. ના પ્રમુખ
બેનાબેન ચુડાસમા બન્યા ચોરવાડ ન. પા. ના પ્રમુખ
ક્રિષ્ના થાપ્પનિયા બન્યા માંગરોળ ન. પા. ના પ્રમુખ
દયા બેન સોલંકી બન્યા વિસાવદર ન. પા. ના પ્રમુખ
નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીનો રહ્યો હતો દબદબો