પાસના નેતાઓ સામે રાષ્ટ્રદ્રોહના કેસ અંતે પાછા ખેંચાયા
હાર્દિક પટેલ-અલ્પેશ કથિરિયા-ચિરાગ પટેલ-દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 14 કેસ પાછા ખેંચ્યાની પાસના નેતાઓની જાહેરાત, સરકારનું મૌન
ગુજરાતમાં વર્ષ 2015માં ઉઠેલા પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર અનામત આંદોલન સમિતિના ચાર મુખ્ય નેતાઓ હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા અને દિનેશ બાંભણીયા સામેના રાષ્ટ્રદ્રોહના કુલ 14 કેસ રાજ્ય સરકારે પરત ખેંચી લીધા છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે અમરેલીની પાટીદાર યુવતિનું સરઘસ કાઢવાનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે જ ‘પાસ’ના નેતાઓ સામેના કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
આ બારામાં પાસના એકસમયના ક્ધવીનર દિનેશ બાંભણીયાએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરાત કરી છે એન સરકારનો આભાર માન્યો છે. જો કે, સરકારના સત્તાવાર સુત્રો દ્વારા આ અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
પાસના ઉપરોક્ત ચારેય નેતાઓ સહિતના ટોળા સામે અમદાવાદમાં રામોલ, સાબરમતિ, બાપુનગર, વસ્ત્રાપુર, માણસા ઉપરાંત ગાંધીનગરના કલોલ સહિતના પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્રદ્રોહના કેસ નોંધાયા હતા અને હાલ આ તમામ કેસ કોર્ટમાં ચાલી રહ્યા હતાં.
પાટીદાર અનામત આંદોલન સમયે ફાટી નિકળેલા તોફાનોમાં અલગ વર્ષ 2015માં પાસના નેતાઓ સહિતના ટોળાઓ સામે સરકારી મિલ્કતને નુક્શાન, રાયોટ, તોફાન ઉપરાંત અમુક કિસ્સામાં ખુનની કોશિષ સાથે રાષ્ટ્રદ્રોહના ગુના નોંધાયા હતાં.
આ આંદોલન દરમિયાન કુલ 14 પાટીદાર યુવાનો શહીદ થયા હતા અને આંદોલન બાદ ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટે 10 ટકા અનામત જાહેર કરાઈ હતી અને ખાસ આયોગની પણ રચના કરવામાં આવી હતી.
આ આંદોલને જ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભોગ લીધો હોવાનું આજે પણ માનવામાં આવે છે.
દેશના સૌથી મોટી આંદોલનો પૈકીનું આ આંદોલન હતું પરંતુ સમય જતા સરકાર તેને હેન્ડલ કરવામાં સફળ થઈ હતી અને આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા હતા અંતે સરકારે કેસો પાછા ખેંચવાની માંગણી સ્વીકારી વધુ એક વખત પાટીદારોના ઘાવ ઉપર મલમ લગાડવા પ્રયાસ કર્યો છે.