ક્ષત્રિય સમાજ સાથેના વિવાદના પગલે રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષા વધારાઇ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે શરૂ કરેલી ઝુંબેશના પગલે રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષા વધારવામાં આવી છે અને કાર્યક્રમો તેમજ ચુંટણી પ્રચાર દરમિયાન પણ રૂપાલાને વિશેષ બંદોબસ્ત આપવામાં આવ્યો છે.
ક્ષત્રિય સમાજ વિષે કરેલી ટિપ્પણીના પગલે ક્ષત્રિય સમાજે ભાજપ સામે જ મોરચો ખોલી દીધો છે. અને રાજકોટ બેઠક પરથી પરષોતમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે તેમજ રાજકોટમાં મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે.
આ વિવાદના પગલે આઇ.બી. સહીતની એજન્સીઓએ ઉમેદવાર પરષોતમ રૂપાલા ઉપર હુમલાનો ભય વ્યકત કરી તેની સુરક્ષા વધારવા અભિપ્રાય આપતા આજે સવારથી જ રૂપાલાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.રાજકોટમાં અમિન માર્ગ ઉપર આવેલ પરષોતમભાઇ રૂપાલાના નિવાસસ્થાને માલવીયાનગર પોલીસ દ્વારા એક ગનમેન સહીત પાંચ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાના પ્રવાસ કાર્યક્રમો અને પ્રચાર દરમિયાન ખાનગીમાં તેમની સુરક્ષા વધારવામાં આવી હોવાનું જાણવા મળે છે.